Saturday, September 9, 2017

સૌરાસ્ટ્ર ની રસધાર ભાગ-૪ પ્રકરણ-૧૬, ૧૭ અને ૧૮

૧૬. વોળાવિયા
            બોટાદ શહેરના શેઠ ભગા દોશી’, જેની ફાંદ્યમાં ફેરવો ખોવાઈ ગયાનું કહેવાય છે.
            હકીકત આમ હતી: ભગા દોશી નહાવા બેઠેલા. પેટની ફાંદ્ય એટલી બધી મોટી અને એવી તો કૂણી, કે ચાર ચાર ઊંડા વાટા પડે. નાહતાં નાહતાં જેમ ફાંદ્યમાં હાથ ફેરવીને વાટા માંયલો મેલ ધોવા ગયા, તેમ તો આંગળીમાંથી સોનાનો ફેરવો ખેંચાઈને વાટામાં સલવાઈ રહ્યો. ચોગરદમ જુએ, પણ ફેરવો ક્યાંથી હાથ આવે
            નાહીને ઊભા થયા એટલે ટપ દેતો ફેરવો ફાંદ્યમાંથી સરી પડ્યો. એ વાતે ભગા દોશીને મલકમાં મશહૂર બનાવ્યા. આજ પણ ઓળખાણ દેવાય છે, કે ઓલ્યા ભગા દોશી, જેની ફાંદ્યમાં ફેરવો ખોવાઈ ગયોતો!
            આ ભગા દોશી સ્વામીનારાયણ પંથના હતા. એક વાર એણે વડતાલની જાત્રા આદરી. બોટાદથી ગાડું જોડાયું. સાથે ચાર વોળાવિયા લીધા. એક નાથો ખાચર. એનો ભાઈ કાળો ખાચર ને બીજા બે કાઠી જુવાનો ભત્રીજો શાદૂળ ખાચર અને ભાણેજ માલો.
            બપોર થયા ત્યાં બાવળા રઝોડાનું પાદર આવ્યું. તળાવ ભરેલું દીઠું. આપો કાળો અને આપો નાથો સ્વામીનારાયણના સેવક હતા, એટલે એમને સ્નાન કરવાનું મન થઈ આવ્યું.
            “ભગા દોશી! ગાડા હાલવા દ્યો. ત્યાં હમણે અમે ઊભાં ઊભાં એક ખંખોળિયું ખાઈને તમને આંબી લઈએ છીએ. વાર નહિ લાગે.
            “બહુ સારું,” કહીને શેઠે ગાડું વહેતું રાખ્યું. અને આંહીં ચારેય કાઠીઓએ ઘોડાને કાંઠે ઉભાડીને સ્નાન કર્યું. કાળા ખાચરે અને નાથા ખાચરે બબ્બે માળાઓ ફેરવી.
            આંહીં ગાડાની શી ગતિ થઈ? બરાબર બાવળાની કાંટ્યમાં ભગા શેઠ દાખલ થયા ત્યાં કોળી ઠાકરડાનું જૂથ ભેટ્યું. સૂરજ મહારાજ ન કળાય એવી ગીચ ઝાડી: હથિયારબંધ પચીસ કોળીઓ: અને અડખે પડખે ઉજ્જડ વગડો.
            ભગા દોશીને ઘેર ભગવાનની મહેર હતી. માયામાં મણા નહોતી અને વડતાલની પહેલી-છેલ્લી વારની યાત્રા: એટલે મંદિરમાં પધારાવવાનું ઘરેણુંગાંઠું પણ સારી પેઠે ભેળું બાંધેલું.
            એ બધુંય લૂંટી, ખડિયા ભરી, ઠાકરડાઓનું જૂથ ચાલ્યું ગયું.
            ત્યાં તો ચારેય કાઠીઓ દેખાયા. ભગા શેઠે મુનીમને ચેતાવી દીધો કે ખબરદાર હો, હવે કાંઈ વાત કહેવાની નથી. થાવી હતી તે થઈ ગઈ.
            ભગા દોશીએ તો પોતાના મોં ઉપર કંઈ કળાવા ન દીધું, પણ મુનીમની આંખમાં આંસુ આવી ગયાં.
            “એલા, કેમ મોઢું પડી ગયું છે?” વહેમ ખાઈને નાથા ખાચરે પૂછ્યું.
            “કાંઈ નહિ, આપા!ભગા દોશીએ કાઠીને ફોસલાવ્યો.
            “અરે કાંઈ નહિ શું, શેઠ? આ તમારા મોઢા ઉપર છાંટોય લોહી નથી રહ્યું. એલા, ગાડાખેડુ, તુંય મૂંગો કાં મરી રિયો છે?”
            ગાડાખેડુએ વાત કરી.
            “હે કાળમુખા! અટાણ સુધી શીદ જીભના લોચા વાળ્યા? અમારું મૉત કરાવ્યું. ભગા શેઠ! હવે તો મોંમાંથી ફાટો કે એ દીકરા કેણી કોર ઊતર્યા?”
            “આપા, ઉગમણા ઊતરી ગયા છે, પણ હવે એ વાતનો બંધ વાળો. એ જાડા જણ, અને છેટું પણ હવે પડી ગયું છે.
            “અરે, રામ રામ ભજો, શેઠ! બંધ શું વાળે?” એટલું બોલીને કાળા ખાચરે પોતાની અગર નામની ઘોડીને ઉગમણી મરડી. પછવાડે તાજણ ઉપર નાથો ખાચર અને બે કાઠીઓ ઉગમણા ફાફળમાં ઊતરી ગયા. સામે જુએ, ત્યાં દાગીનાના ખડિયા ભરીને કોળી ઠાકરડા ચાલ્યા જાય છે.
            કાઠીઓએ તરવારો ખેંચી. પચીસ ઠાકરડા ઉપર ત્રણ ખાંડાંની તો રમઝટ બોલવા માંડી. માત્ર નાથા ખાચરનું શરીર ભારે, એટલે ઘોડીના કાઠામાં કમર ભીંસાઈ ગઈ છે; તરવારની મૂઠને રૂપાના વાળાની સાંકળી ગૂંથેલી કોંટી બાંધેલી. ઘણીય ઝોંટ મારે પણ કોંટી તૂટતી નથી, તરવાર નીકળતી નથી. શરીર કાઠામાં ભીંસાણું છે, એટલે કોંટી છોડાય તેમ નથી.
            પણ ત્રણ કાઠીઓએ કામ પતાવી લીધું. ખડિયા પછાડીને ઠાકરડા ભાગ્યા. પૂરેપૂરો માલ પાછો લઈને કાઠીઓ પાછા ગાડા ભેળા ગયા. ત્રણ ગાઉ ગયા ત્યારે ખબર પડી કે અગરના તરિંગમાં તો બરછી ખૂંતી ગઈ છે, અને લોહી ઊડતું આવે છે તોય આછો ડાબો પડવા દેતી નથી!

**********

એ જ કાળા ખાચરને એક વાર બુઢાપો આવ્યો. પોતે લોયા ગામમાં રહે છે.
            એમાં ધ્રાંગધ્રા તાબે ધોળિયા ગામનું ધાડું લોયાને માથે ત્રાટક્યું. સાથે ભારાડી કોળી આંબલો પણ છે. આંબલો બોલ્યો: ભાઈ, બીજાની તો ભે નથી, પણ ઈ કાળો ખાચર કાળ જેવો લાગે છે. સાવજને પીંજરમાં પૂર્યા વગર ફાવશું નહિ.
            લૂંટારાઓએ સહુથી પ્રથમ કાળા ખાચરના ખોરડા ઉપર જઈને બહારથી સાંકળ ચડાવી દીધી અને પછી મંડ્યા ગામને ધબેડવા. ગામમાં તો કંઈક બાયલા ભર્યા હતા.
            “એ મુંસે લઉ જાવ! એ કોઈ બારણો ઉઘાડો! માળો મૉત બગાડો મા! ઉઘાડો! ઉઘાડો! ઉઘાડો!
            એમ બોલતો, લૂંટારાના દેકારા સાંભળી સાંભળીને બારણાની સાથે માથું પછાડતો એંસી વરસનો આપો કાળો અધમૂઓ થઈ ગયો. પછી એ ઝાઝું જીવ્યો નહિ.
૧૭. ખોળામાં ખાંભી
            રાંડીરાંડ રજપૂતાણીને સાત ખોટનો એક જ દીકરો હતો. ધણી મરતાં ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ.
            “બાપુ!લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઊભી રહી. બાપુ, આજ અમારે બેઠાની ડાળ્ય ભાંગે છે; અને, દરબાર, આ મારો અભલો કોક ટાણે પાણીનો કળશિયો લઈને ઊભો રહેશે, હો!
            દરબારને અનુકંપા આવી. ગામને દખણાદે પડખે કંટાળુંમાં અભલાને જમીનનો એક કટકો આપ્યો. એક ખભે તરવાર અને બીજે ખભે પાણીની ભંભલી: એમ જુવાન અભલો હંમેશાં સાંતી હાંકે છે.
            એક દિવસ ચૂડા ઉપર ધીંગાણાની વાદળી ચડી. પાળિયાદથી સોમલો ખાચર ચડ્યા છે. સામે દરબાર રાયસંગજીની ગિસ્ત મંડાઈ. વેળાવદર, કુંડલા અને ચૂડા વચ્ચે બગથળાની પાટીમાં ધીંગાણું મંડાણું. સાંતીડું હાંકતા હાંકતાં અભલે તરઘાયો સાંભળ્યો. સાંભળતાં જ એણે ગડગડતી દોટ મેલી. મોખરે રાયસંગજીનું કટક દોડે છે, અને એને આંબી લેવા અભલો વંટોળિયાને વેગ જાય છે.
            ચૂડા અને ધીંગાણાની વચ્ચે માર્ગે નાની વેણ્ય આવે છે. રાયસંગજી વેણ્યને બરોબર વળોટી ગયા તે જ ઘડીએ ત્યાં અભો પહોંચ્યો. સામે ઊભાં ઊભાં કાઠીનાં ઘોડાં ખોંખારી રહ્યાં છે.
            “બાપુ!અભે બૂમ પાડી: બાપુ, થોડીક વાર વેણ્યમાં ઊભા રહો અને મારું ધીંગાણું જોઈ લ્યો.
            “અભા, બેટા વેણ્ય તો રાશવા વાંસે રહી ગઈ. હવે હું પાછાં ડગલાં શી રીતે દઉં? મારું મૉત બગડે, દીકરા!
            “બહુ સારું, બાપુ, તો મારે તમારા ખોળામાં મરવું છે.
            એટલું બોલીને અભો રાયસંગને મોખરે ગયો. સંગ્રામ મચ્યો. કાઠીઓ જાડા જણ હતા. રજપૂતો થોડા હતા. રાયસંગજી ને અભો બેઉ ઘામાં વેતરાઈ ગયા.
            મરતો મરતો અભો ઊઠ્યો. પૂંઠ ઘસતો ભંભલી લઈને રાયસંગજીની લાશ આગળ પહોંચ્યો. દરબારનો પ્રાણ હજી ગયો નહોતો. દરબારના મોંમાં અંજલિ આપીને અભે યાદ દીધું: બાપુ, આ પાણી; માનું વેણ....
            “અભલા! બેટા! તારી ખાંભી મારા ખોળામાં....રાયસંગજી ફક્ત એટલું જ બોલી શક્યા.
            બેઉના પ્રાણ છૂટી ગયા.
            આજ ત્યાં ઘણી ખાંભીઓ છે. એક ઠેકાણે બે જુદી જુદી ખાંભીઓ ઊભી છે. એ ખાંભીઓ અભલાની અને એના ધણીની છે. મોખરે અભલાની અને પાછળ રાયસંગની. આજ પણ અભલાની ખાંભી દરબારના ખોળામાંએમ બોલાય છે.
૧૮. માણસિયો વાળો
            સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થરો વચ્ચે થઈને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં ઢંકાયેલા ચંપકવરણા દેહ જેવો દેખાય છે. એક ચારણે જીવતી ચારણીઓના મોહ છોડી એ ભાદરની સાથે વિવાહ કરવાનાં વ્રત લીધાં હતાં. [ પચાસ-સાઠ વર્ષ પૂર્વે કમરહંસ નામના ચારણે પોતાની સ્ત્રીનું અવસાન થયા પછી બીજી સ્ત્રી પરણવાની ના પાડી હતી અને વિધિપૂર્વક ભાદર નદી સાથે વિવાહ ઊજવી, ધુમાડાબંધ ગામ જમાડ્યું હતું. એનો ત્રુટક દુહો પણ બોલાય છે કે:]
ભાદર જેસી ભામની, કમરહંસ જેસો કંથ;
હંસલી જેસી હોય (તો) કમરહંસ વિવા કર

            એવી વંકી ભાદરની ભેખડ ઉપર ઊભો રહીને જેતપુરનો માણસિયો વાળો સમળાઓની સાથે ક્રીડા કરી રહ્યો છે.
            દયાધર્મના ધુરંધરો પારેવાંને ચણ નાખે, રૂપના આશકો મોરલા-પોપટને રમાડે છે, પણ માણસિયા વાળા દરબારનો શોખ હતો: પોતે જમીને પછી સમળાઓને રોટલા ખવરાવવાનો.
            દરબારગઢની પછવાડે જ ભાદરની ઊંચી ભેખડો છે. ત્યાં ઊભીને માણસિયો રોટલાનાં બટકાં ઉછાળે, ઉપર આભમાં ઘટાટોપ થર વળીને ઊડતી એ પંખિણીઓ અધ્ધરથી ને અધ્ધરથી એ બટકાં ઝીલી લે, પાંખો ફફડાવીને પોતાના પ્રીતમ ઉપર જાણે કે પંખા ઢોળે અને આભમાં ચકરચકર ફરીને કિળેળાટ કરતી સમળીઓ રાસડા લેતી લાગે.
            માણસિયો વાળો નિર્વંશ છે. પિત્રાઈઓની આંખો એના ગરાસ ઉપર ચોંટી છે. જેતપુરમાં જેતાણી અને વીરાણી પાટી વચ્ચે રોજરોજ કજિયા-તોફાનો ચાલ્યા કરે છે. એવે જ ટાણે ગાયકવાડના રુક્કા લઈને અંગ્રેજોની પાદશાહી કાઠિયાવાડને કાંઠે ઊતરી પડી. એજન્સીના તંબૂની ખીલીઓ ખોડાવા મંડી. સોલ્જરોના ટોપને માથે સોનેમઢ્યાં ટોપકાં સૂર્યના તેજમાં ચમકવા લાગ્યાં. લાંગ સાહેબ સોરઠનો સૂબો થઈને આવ્યો. કાઠિયાવાડને સતાવનાર લૂંટારાઓમાં માણસિયા વાળાનું નામ પણ લાંગની પાસે લેવાણું. લાંગે માણસિયા વાળાને તેડાવ્યો.
            પોતાના ત્રણસો મકરાણીઓને શસ્ત્રો સજાવીને માણસિયો વાળો રાજકોટમાં દાખલ થયો.
            હમણાં પલટન વીંટળાઈ વળશે, હમણાં માણસિયાને હાથકડી નાખી દેશે, હમણાં એની જાગીર પિત્રાઈઓમાં વહેંચાઈ જશે એવી અફવાઓ રાજકોટમાં ફેલાઈ ગઈ. સોલ્જરોના ઘોડા માણસિયા વાળાના ઉતારા આગળ ટહેલવા લાગ્યા. કીરચોના ઝણઝણાટ અને સોલ્જરોનાં બખતરની કડીઓના ખણખણાટ સંભળાવા માંડ્યાં.
            બીજી બાજુ, માણસિયાએ દાયરો ભરીને પોતાને ઉતારે કસુંબાની છોળો માંડી છે. સગાં-વહાલાં, ઓળખીતાં-પાળખીતાં, હેતુમિત્ર માણસિયા વાળાને રંગ દેતાં પ્યાલીઓ ગટગટાવે છે. જે ઘડીએ સોલ્જરોના થોકેથોક વળવા મંડ્યા, પલટનના ઘોડાઓના ડાબા સડક ઉપર ગાજવા મંડ્યા, તોપના રેંકડા દેખાવા શરૂ થયા, તે ઘડીએ દાયરો વીંખાવા મંડ્યો. કોઈ કહે, ‘છાશ પી આવું,’ કોઈ કહે, ‘જંગલ જઈ આવું,’ ને કોઈ કહે, ‘નાડાછોડ કરી આવું,’
            જોતજોતામાં એકેય ઘરડું-બુઢ્ઢું માનવી પણ ન રહ્યું. સહુને જીવતર વહાલું લાગ્યું. આપો માણસિયો હસવા લાગ્યો.
            “કાં ભાઈ મકરાણીઓ!આપા બોલ્યા: તમારે કાંઈ કામેકાજે નથી જાવું? ઊઠો ને, એક આંટો મારી આવો ને!
            “ગાળ મ કાઢ્ય, દરબાર, એવડી બધી ગાળ મ કાઢ્ય. હુકમ દે એટલે આખા રાજકોટને ફૂંકી મારીએ.
            ત્રણસો મકરાણીઓ જંજાળ્યોમાં સીસાં ઠાંસીને બેઠા છે. પાણી પીવા પણ એકેય ઊઠતો નથી.
            કલાક, બે કલાક, ત્રણ કલાક! અને સોલ્જરો વીંખાવા મંડ્યા. તોપોના રેંકડા પાછા વળ્યા. ઘોડાના ડાબા ગાજતા ગાજતા બંધ પડ્યા. અને થોડી વાર થઈ ત્યાં તો રાજકોટના ઠાકોર મેરામણજીની છડી પોકારાણી.
            માણસિયો અને મેરામણજી એકબીજાને બથમાં ઘાલીને મળ્યા.
            “આપા માણસિયા,” મેરામણજીએ મહેમાનની પીઠ થાબડીને કહ્યું: સાહેબે રજા આપી છે. જેતપુર પધારો.
            “કાં, મળવા બોલાવ્યોતો ને સાહેબને મળ્યા વગર કાંઈ જવાય?”
            “માણસિયાભાઈ, સાહેબને નવરાશ નથી. હું એને મળી આવ્યો છું. હવે સીધેસીધા જેતપુર સિધાવો.
            “ના ના, મેરામણભાઈ! એમ તો નહિ બને. સાહેબને રામ રામ કરીને હાલ્યો જઈશ.
            “કાઠી! હઠ કરો મા; સરકારનાં સેન સમદરનાં પાણી જેવાં છે; એનો પાર ન આવે.
            “અને, મેરામણજીભાઈ! માણસિયાનેય સમદરમાં નાહવાની મોજ આવે છે; ખાડાખાબોચિયામાં ખૂબ નાયા.
            એટલું બોલીને માણસિયા વાળાએ લાંગની છાવણી પાસે થઈને પોતાની સવારી કાઢી.
એક દાણ હલ્લાં કરી લાંક સામાં બકી ઊઠ્યા,
ખેર ગિયાં લાંક મૉત નિશાણીકા ખેલ,
તીનસો મકરાણી ભેળા ચખ્ખાંચોળ મૂછાં તણી,
ઉબાણી વેગસુ આયા ઘરાંકું આઠેલ.
અને
થાહ સમંદરાં આવે, આભ જમીં એક થાવે,
ફરી જાવે આંક તૂર વિધાતાકા ફાલ,
માણસી જેતાણી મૃત્યુકાળથી ઓઝપી જાવે,
(
તો તો) પૃથ્વી પીઠ ઊંધા થાવે હો જાવે પેમાલ.
            એવી રીતે માણસિયો વાળો જેતપુર આવ્યો.

*********

છેવટે પિત્રાઈઓની અદાવત ફાવી. સગાં-વહાલાંઓએ જ એ સિંહને પાંજરે નખાવ્યો. ગાંડો! ગાંડો!કરીને પિત્રાઈઓએ માણસિયાને કાળા કોઠામાં કેદ કરાવ્યો. બંદીવાન ખાતો નથી, પીતો નથી, આસમાન સામે આંખો માંડીને બેઠો રહે છે.
            ત્યાં તો ક....ર...ર....ર...ર!એવો પ્રીતભર્યો સૂર એણે આભમાં ઊડતી સમળીની ચાંચમાંથી સાંભળ્યો.
            “આવ! આવ! આવ!એવા આપા માણસિયાએ આવકારા દીધા. સમળી પાંખો સંકેલીને નીચે ઊતરી, કોઠા ઉપર આંટા લેવા લાગી. આપાએ પોતાની ભેટમાંથી કટાર ખેંચી, પોતાના પગની પિંડી ઉપર ચીરો માર્યો, તરબૂચની ડગળી જેવું લાલ ચોસલું પોતાના દેહમાંથી વાઢીને આપાએ અધ્ધર ઉલાળ્યું. સમળીએ આનંદનો નાદ કરીને અધ્ધરથી એ ભોજન ઝીલ્યું. બીજી સમળીએ ચીસ પાડી. બીજું ચોસલું માણસિયાએ પોતાની મસ્તાન જાંઘમાંથી વાઢીને ઉછાળ્યું. ત્રીજી આવી, ચોથી આવી; જોતજોતામાં તો સમળીઓના થર બંધાઈ ગયા; આપાને આનંદના હિલોળા છૂટ્યા. હસતો હસતો, પંખિણીઓને પ્યાર કરતો કરતો, આપો પોતાની કાયા વાઢતો ગયો અને આભમાં મિજબાની પીરસતો ગયો.
            સાંજ પહેલાં એણે દેહ પાડી નાખ્યો. પિત્રાઈઓનાં મોઢાં શ્યામ બન્યાં.
            માણસિયાની નનામી નીકળી છે. આભમાં સમળીઓનાં ટોળાં ઊડે છે. પોતાનો પ્રિયતમ જાણે કે શયનમંદિરમાં પોઢવા પધારે છે એમ સમજીને સમળીઓ નીચે ઊતરી, શબને વળગી પડી, પોઢેલા સ્વામીનાથને પંખા ઢોળવા લાગી. લોકોએ વાંસડા મારી મારીને પંખીને અળગાં કર્યાં.
            ચિતાને આગ મેલાણી અને ચારણે મોઢું ઢાંકીને મરશિયા ઉપાડ્યા:
ગરવરનાં ગરજાણ, ઊડી આબૂ પર ગિયાં,
માંસનો ધ્રવતલ મેરાણ, ઢળિયો જેતાણા ધણી.
[આજ ગિરનારનાં ગીધ પંખીઓ ઊડીને આબુ પહાડ ઉપર ચાલ્યાં ગયાં, કેમ કે એ પંખીડાંને માંસથી તૃપ્ત કરનાર શૂરવીર તો ઢળી પડ્યો છે.]
પંડ પર જાડી પસતોલ, ખાંભીનાં ભરવાં ખપર,
(
તેં) કપાળુંમાં કૉલ, માતાને આલેલ માણશી!
[હે માણસિયા, તું આજ આ રીતે કેમ મૂઓ? તેં તો તારા શરીર પર પિસ્તોલ મારીને લોહીથી દેવીના ખપ્પર ભરવાનો છૂપો કૉલ દેવીને દીધો હતો!]
ઉતાર્યાં આયર તણાં, ધડ માથાં ધારે,
તોરણ, તરવારે, માંડવ વેસો, માણસી!
[તેં તરવારની ધાર વડે આહીરોનાં માથાં વાઢ્યાં હતાં, અને તરવારોનાં તોરણ બાંધીને જાણે કે તારા વિવાહ ઊજવ્યા હતા, હે માણસિયા! ]
નાળ્યુંના ધુબાકા નૈ, ધડ માથે ખગ-ધાર,
કાંઉં સણીએ સરદાર, મરણ તાહળું, માણસી!
[હે માણસિયા વાળા, આ શું કહેવાય? આવું શાંત મૃત્યુ તારે માટે સંભવે જ કેમ? તું મરે ત્યારે તો બંદૂકોના ભડાકા હોય અને તારા શરીરને માથે તરવારની ધાર ઝીંકાતી હોય; એને બદલે તું છાનોમાનો શીદ મૂઓ, બાપ?]
ગઢ રાજાણું ગામ, (જે દી) મેડે ચડી જોવા મળ્યું,
તે દી જેતપરા જામ, (તારે) મરવું હતું, માણસી!
[તારે તો તે દિવસે મરવું ઘટતું હતું. જે દિવસે રાજકોટમાં તું લાંગ સાહેબને મળવા ગયો હતો અને તારાં શૌર્ય નિહાળવા આખા ગામનાં નરનારીઓ માર્ગની બન્ને બાજુ મેડીએ ચડ્યાં હતાં.]
ચે માથે શકત્યું તણા, પાંખાના પરહાર,
ભ્રખ લેવા આવી ભમે, માટી તારી માણસી!
[તારી ચિતા ઉપર સમળીરૂપી શક્તિઓ આવીને પાંખોના પ્રહારો કરે છે. તારા સરખા શૂરવીરના માંસનું ભક્ષ કરવા એ સુંદરીઓનાં વૃંદ વળ્યાં છે.]
માણસિયાનું મૃત્યુગીત
[ઘણું કરીને મૂળુભાઈ વરસડા નામના ચારણે આ રચ્યું છે. દગલબાજી અને ગોત્રહત્યાનાં દૃષ્ટાંતો રાજસ્થાનનાં તેમ જ સોરઠનાં રાજકુલોની તવારીખમાંથી તારવીને ચારણ આ ગીતમાં માણસિયાના પિત્રાઈઓને ફિટકાર આપે છે.]
1
કાંસા ફૂટ્યા કે ન ફૂટ્યા બાગા રણંકા હજારાં કોસ,
    
મીટે કાળ આગે ભાગા બચે કોણ મૉત,
મીરખાને ખોટ ખાધી સવાઈ કમંધ માર્યા,
    
ડોલી મારવાડ બાધી ટકાવે દેશોત.
2
પેલકે પાંકડે ધીંગ દેવીસિંગ માર્યા પોતે,
    
મહારાજ ખૂટી ગિયા તીન ઘડી માંય,
પાણીઢોળ કીધો આઠે મસલ્લાકો આણીપાણી,
    
જોધાણે ગળીકા છાંટા કે દિયે ન જાય,
3
માન9 ગેલે ત્રીજી બેર વાટે પ્રાગજીકું માર્યા,
    
ઓઠે વાળ્યા ઝાલા બાધા એકેથી અનેક,
ઝાલારી ચાકરી કીધી માથે પાણીફેર જોજો
    
હળોધકી ગાદીકું લગાડી ખોટ હેક.
4
કાઠિયાવાડમાં હુવો અસો ન બૂરો કામો,
    
દગાદારે દેખ્યા આગે ખૂનિયારો દેખ,
સત તો બત્રીશ માંહી બેઠી ખોટ જગાં સુધી,
    
મંડી સાવ સોનાથાળી માંહી લુવા મેખ,
5
એક દાણુ હલ્લાં કરી લાંક સામા બકી ઊઠ્યા,
    
ખેર ગિયા લાંક મૉત નિસાણીકા ખેલ,
તીન સો મકરાણીભેળા ચખાંચોળ મૂછાં તાણી,
    
ઉબાણી તેગસું આયા ઘરાકું અઠેલ.
6
થાહ સમંદરાં આવે, આભ જમીં એક થાવે,
    
ફરી જાવે આંક તુર વિધાતાકા ફાલ,
જેતાણી માણસી મૃત્યુકાળથી ઓઝપી જાવે,
    (
તો તો) પૃથ્વી પીઠ ઊંધા થાવે, હો જાવે પેમાલ.
7
કોરવાસું ભીમસેન પાછા પાગ દેવે કેમ,
    
રામદૂત બીવે કેમ રાખસાંકી રીડ,
કાળભદ્ર જાતિવાળા તોછાં નીર પીવે કેમ,
    
કેદ કીધા જીવે કેમ શાદૂળા કંઠીર.
8
તોપાંકા મોરચા માથે હલાતા હાકડા તાડે,
    
ફોજાંકા ફાકડા કરી જાતો ગજાફાડ,
કાળઝાળ આવી પૂગી સાત હીં સમંદ્ર જાગી,
    
કાઠિયાવાડરા ભાંગ્યા લોઢારા કમાડ.
9
મૂળરાજ નાજાણી નોહોતા તો તો જાતી માથે,
    
હેઠું ઘાલી બેઠ બાધા પડ્યા ભોંય હાથ,
જેતાણું ડોલતું રાખે ન જાણ્યું હરામજાદે,
    
નીગમ્યો હરામજાદે જેતાણાકો નાથ.
10
ગોત્રહત્યા ઊતરે ના હેમાળામાં હાડ ગાળ્યે,
    
જજ્ઞ ક્રોડ કર્યે ગોત્રહત્યા નહિ જાય,
નશાં રવિમંડળમાં અવિચળ કરી નામો,
    
માણસિયો ગિયો સુરાંપૂરાં લોક માંય.

9 હળવદના રાજા માનસિંહે પ્રાગજી નામના પોતાના સ્વામીભક્ત રજપૂતની હત્યા કરી હતી.

Tuesday, September 5, 2017

અપરાધી ભાગ ૧


1. શિવરાજ

            પ્રભાતની પ્રાર્થના પૂરી થઈ ત્યારે આચાર્યદેવે કહ્યું: “બ્રહ્મચારીઓ, હમણાં જતા નહીં.”

            સળવળેલા મધપૂડાની માખો પાછી ઝૂમખું વળીને ચોંટી જાય તેમ અર્ધા ઊભા થઈ ગયેલા વિદ્યાર્થીઓએ પાછી પલાંઠી ભીડી. સૌએ એકબીજા સામે જોયું. આચાર્યદેવનો ઘાંટો તરડાયેલા મૃદંગના જેવો જણાયો: “આપણા ગુરુકુલ ઉપર એક કલંક આવ્યું છે.”

            સૌએ માથાં હેઠાં ઢાળ્યાં.

            છેલ્લાં દસ વર્ષના ઇતિહાસમાં બનેલી કાળી ઘટના કાલે રાતે બની ગઈ છે.” આચાર્યનો અવાજ વધુ ને વધુ તરડાતો ગયો.

            ગઈ કાલની મધરાતે દરબાર તખુભાના દીકરાના માથાની ખોપરી ફૂટી છે. દરબાર શિવુભાના ઘરની વડારણ છોકરી ઝબુની કોઈએ છેડતી કરી છે.”

            એક સિવાયના તમામ છાત્રો જાણે કે ભોંમાં સમાઈ જવાનો માર્ગ શોધતા હતા.

            ને કૃત્ય કરનાર તમારા માંહેનો એક છે.”

            પ્રાર્થના-મંદિરની દીવાલો ફાટું ફાટું થઈ રહી. છાત્રો ત્રાંસી નજરે ઊંચે જોઈને છોભીલા પડી ગયા. માત્ર એક વિદ્યાર્થી બારીની આરપાર આકાશના રતાશ પકડી રહેલ રૂપની સામે તાકતો બેઠો હતો, તે તેમ ને તેમ બેઠો રહ્યો.

            હું પૂછું છું,” આચાર્યદેવે અવાજ ધીરો પાડ્યો: “કે નાદાની કોણે કરી છે?”

            કોઈ બોલ્યું.

            જેણે કરી હોય તે કબૂલ કરી નાખે. હું દરબારની તેમ ગામના પ્રજાજનોની ક્ષમા માગી લઈશ. કબૂલ કરનારને કોઈ પ્રકારની શિક્ષા નહીં થાય.”

            તોપણ બધા શાંત રહ્યા.

            અપરાધ કરનારને હું જાણું છું.” આચાર્યના બોલમાં કોઈ પોલીસ-અધિકારીનો ઠંડો ગર્વ હતો: “હું આશા રાખું છું કે મારો વિદ્યાર્થી એક અપરાધને ઢાંકવા માટે મૌન સેવવાનો બીજો અપરાધ નહીં ઉમેરે.”

            દરેક વિદ્યાર્થીએ પોતાના સિવાયના બીજાના એકરારની રાહ જોયા કરી.

            નથી કબૂલ કરવુંએમ ને? એટલી બધી વાત!” આચાર્યનું મોં ધમણે ધમાતું હતું.

            એણે ઘડીભર શ્વાસ હેઠો મૂક્યો. હોઠ સુકાયા હતા તેને જીભનું અમી ચોપડી ઠંડા કર્યા. પણ ભીનાશ હોઠ પર આવી. પંચાવન વર્ષના પ્રૌઢ પુરુષના ખભા પરથી પીતવરણી શાલ ખસી ગઈ, તેનો જનોઈધારી દેહ થરથરતો લાગ્યો. દેહ પરની લાંબી રુંવાટી ઊભી થઈ ગઈ.

            જૂના વખતની એક રાજસ્થાની હાઈસ્કૂલમાં લાંબા વખત સુધી હેડમાસ્તરગીરી કરીને ગુરુકુલ ચલાવવા આવેલ આચાર્યના અંગેઅંગમાં જૂના કાળનો દેવતા સળગી ચૂક્યો.

            એણે પોતાની બાજુમાં રૂપાની ખોભળવાળી સીસમની લાકડી પડી હતી તે ઉઠાવી. લાકડીના છેડા વતી નિશાની કરીને એક છોકરાને કહ્યું: “આંહીં આવો.”

            કોણ ઊઠ્યું? બારીની આરપાર આકાશને જોઈ રહેલો શિવરાજ ઊઠ્યો.

            બીજા સૌએ શ્વાસ વિરામીને, ઊઠનારની સામે આંખો ફેરવી. બસો જેટલી આંખો અનિમેષ બની. પ્રત્યેક આંખની કીકીમાં હેરતભર્યો પ્રશ્ન હતો.

            શિવરાજ! હોય કદી? આપણા સર્વનો સન્માનિત, ગરવો, અણીચૂક, સદાચારી જુવાન શિવરાજ કૃત્યનો અપરાધી?

            અચંબાની લાગણીઓ વચ્ચે ચટચટ માર્ગ કરતો શિવરાજ નામનો વિદ્યાર્થી મોખરે આવ્યો. એના મોં પર, બેશક, થોડું વિસ્મય હતુંપણ ગભરાટ નહોતો.

            તમેતમેતું મારો પ્રિય વિદ્યાર્થી ઊઠીને રાતના ધંધા કરવા નીકળ્યો! તું! તું! તું પોતે !”

            શિવરાજના મોં પર ભેદ અને રમૂજનું ગૂંથણકામ થઈ રહ્યું હતું. “કર્યા ઉપર પાછો ઢાંકવાનો પ્રયાસ!”

            શિવરાજ કશું બોલ્યો નહીં. એણે પોતાના ભરાવદાર દેહ ઉપર ઓઢેલું ધોતિયું જરા વિશેષ લપેટ્યું.

            બોલ, નાલાયક! તું હતો કે બીજો કોઈ!”

            આપ કહેતા હો તો હું !” બોલતાં બોલતાં શિવરાજનું મોં પણ અગ્નિકુંડની રતુંબડી આંચ પકડી ઊઠ્યું.

            હું કહું છું? ચોરી ઉપર શિરજોરી? સામો મને લેતો પડે છે? દુર્જન!”

            પછી વાણીનાં કાણાં અંદરની વરાળને નીકળવા માટે નાનાં પડ્યાં. આચાર્યે સીસમની લાકડી ઉપાડી. જૂના વખતની ટેવ આચાર્યના ઝનૂનની મદદે આવી.

            ઉપરાઉપરી લાકડીના સોટા પડ્યા. સીસમ બટકણું હોય છે, અને શિવરાજના શરીરમાં રોજની કસરતે લોખંડના ટુકડા જેવી માંસની પેશીઓ ગોઠવી હતી. લાકડીના બે કટકા થઈ ગયા. એક ટુકડો ઊડી ગયા પછી બાકીનો બૂઠો ટુકડો મારનારની આંખો સામે દાંત કાઢતો હોય તેવી અણીઓ બતાવતો રહ્યો.

            શિવરાજની આંખોએ પહેલાં ધુમાડા ફૂંક્યાને પછી દડદડ આંસુ છોડ્યાં. કશું બોલ્યો નહીં; પણ એને રૂંવાડે રૂંવાડે રોષની જીભો ફૂટી રહી હતી.

            જાઓ! કાળું કરો! ગાદલાંની ઓરડીમાંથી આજે ક્યાંય બહાર નીકળશો; આઠ દિવસ સુધી શાળામાં આવશો. તમારા પિતાજીને હું લખી જણાવું છું. જાઓ.”

            કોઈની સામે નજર કર્યા વગર શિવરાજ હમેશની એકસરખી ચાલે ચાલ્યો ગયો. એની પછવાડે નજર કરવાની પણ અન્ય વિદ્યાર્થીઓને હામ રહી. બધાનાં મોઢાં હજુ ભોંયમાં સમાવા મથતાં હતાં.

            જાઓ બધા.” એટલું કહીને આચાર્ય ઊઠ્યા. એણે એક ઊંડો શ્વાસ લીધો. પોતાના ખંડમાં ચાલ્યા ગયા.

            બપોર પડ્યા. થોડે દૂર શાળાનું મકાન ગુંજતું હતું. અહીં ગુરુકુલના ગાદલાંવાળા ખંડમાં શિવરાજ એકલો હતો. માળો બાંધતાં બે ચકલાં બારીમાંથી જતાં હતાં, ને અક્કેક તણખલું ઉપાડી લાવતાં હતાં. તેને જોઈ રહેલ શિવરાજની આંખો વધુ ને વધુ ઝરતી હતી. પણ નહોતો ડૂસકાં ખાતો, કે નહોતો રુદનના સ્વરો કાઢતો. વરસીને રહી ગયેલા વરસાદ પછી નેવાનાં નળિયાં જે પ્રશાન્ત મૂંગી કરુણાતાથી સરખે અંતરે ટપકતાં હોય છે, તે રીતે શિવરાજની પાંપણો સરખે અંતરે ઝરતી હતી.

            એકનો ડંકો પડ્યો ત્યારે શિવરાજની એકલતા તૂટી. એક બીજો યુવાન અંદર આવ્યો. લપાતો અને બીતો હતો. પછવાડે જોતો જોતો મીની-પગલે આવ્યો. એણે ચોમેર કાન માંડ્યા. ચકલાંના પાંખ-ફરકાટથી પણ ફફડી ગયો.

            શિવરાજે કહ્યું: “રામભાઈ, તમે જાઓ; નાહક દોષમાં આવશો.”

            શિવરાજ, તમે શું કર્યું?”

            શું કર્યું?”

            ખોટેખોટો અપરાધ કેમ કબૂલ કરી લીધો?”

            તમે શી રીતે જાણ્યું કે ખોટેખોટો કબૂલ કર્યો?”

            કહું?... કહું?” રામભાઈએ ચોપાસ જોઈ લીધું; એની છાતી ધડક ધડક થઈ. એણે શિવરાજની પાસે જઈને એનો હાથ પકડ્યો. જાણે પોતે કોઈ ઊંડી ખીણમાં પડી જતો હતો. શિવરાજે એને પંપાળીને પૂછ્યું: “કહો, શું છે?”

            ગઈ રાતના બનાવનો અપરાધી હુંહું પોતે છું, શિવરાજભાઈ!”

            હું જાણું છું.” શિવરાજે જ્યારે જવાબ વાળ્યો ત્યારે એના શામળા મોં ઉપર એક સુંવાળા સ્મિતની ઝાલક ઊડી.

            તમે જાણો છો? – જાણતા હતા?”

            હા; ગઈ રાતથી . હું નજરોનજરનો સાક્ષી હતો. તમે એકલા દુષ્ટને પૂરા પડ્યા; નહીંતર હું તમારી મદદે કૂદવાનો હતો. ઝબુની ઉપર ચડાઈ કરનારા તો હરામીઓ હતા.”

            છતાં તમે અપરાધ કેમ માથે લીધો?”

            મેં માથે ક્યાં લીધો છે? આચાર્યદેવને મેં ક્યાં એમ કહ્યું છેકે હા, મેં કર્યું છે?”

            પણ તમે જાણતા હતા છતાં મારું નામ કેમ આપ્યું?”

            મારે એવા સત્યવાદી થવાની શી જરૂર હતી?”

            પણ તમે કલંકિત બન્યા, તમે માર ખાઈ રહ્યા, બધું શા માટે? મારા માટે નહીં?”

            ના રે ના—” શિવરાજ પોતાના આચરણનું મહત્ત્વ ઓછું આંકવાના પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે બોલતો હતો: “મને તો ખીજ ચડી ગઈ, એટલે હું મૂંગો રહ્યો. આચાર્યદેવ કોઈપણ જાતની તપાસ કર્યા વગર મને એકદમ લેતા પડ્યા, હું સહી શક્યો. જૂઠા તો પડ્યા ને!”

            શિવરાજની બધી વાતો રામભાઈને મૂંઝવી રહી. શિવરાજની ઉદારતા ઉપર ઓગળી પડ્યો. શિવરાજના નામ પર બેઠેલ બટ્ટાનો જવાબદાર પોતે છે: આવતી કાલે શિવરાજના બાપુને ખબર પહોંચશે એટલે શિવરાજનું આવી બનવાનું: બે દિવસમાં તો શિવરાજની કારકિર્દી પર પાણી ફરી જશે: ને બધું મારા પાપે!

            નહીં, નહીં, ભાઈ શિવરાજ,” ઉશ્કેરાઈને શિવરાજના ખભા ધુણાવવા લાગ્યો: “હું હમણાં આચાર્યદેવની પાસે જઈશ: હું મારો દોષ છે કબૂલ કરી આવીશ: હું બધી સજા માથે ચડાવી લઈશ.”

            હવે ગાંડા થાઓ ગાંડા!” શિવરાજે રામભાઈના હાથ પકડ્યા.

            નહીં, મારાથી નથી સહેવાતું. તમારો મેં નાશ કરી નાખ્યો; છોડો.” રામભાઈના હૃદયમાંથી એક ધ્રુસકું નીકળી પડ્યું. શિવરાજના હાથમાંથી જોશભેર છૂટો થઈને ખંડની બહાર દોડ્યો.

            રામભાઈ, એક વાત કરું.” શિવરાજે એને રોક્યો. રામભાઈ શિવરાજ તરફ ફરીને દૂર ઊભો રહ્યો:

            શું છે?”

            આચાર્યદેવને તમારે જઈને કહેવાની જરૂર નથી. તમે છતા નહીં થાઓ તોપણ છેવટે હું નિર્દોષ ઠરવાનો છું.”

            શી રીતે?”

            આચાર્યદેવને એની મેળે એની ભૂલ યાદ આવશે. એમણે ગઈ કાલ રાતની બાર બજ્યાની મારી ગેરહાજરી પરથી માની લીધું છે કે તખુભા દરબારના દીકરાની ખોપરી તોડનારો ને ઝબુની છેડતી કરનારો હું હતો. મારી ગેરહાજરીનું ખરું કારણ તો તે પોતે છે.”

            એટલે?”

            ચાર દિવસ પર તેમણે મને કહી રાખેલું કે કલકત્તાથી એક સંપેતરું ગઈ રાતની ગાડીમાં આવવાનું હતું, ને મારે લઈ આવવાનું હતું. બાપડા વાત ભૂલી ગયા છે! યાદ આવશે ત્યારે પસ્તાશેને તમારું નામ દેવાની કશી જરૂર નહીં પડે. બની ગયું તે બની ગયું.”

            ના, ના, એક સેકન્ડ પણ હવે તો હું તમારા શિર પર ભારે કલંક નહીં રહેવા દઉં.”

            એટલું કહીને રામભાઈ દોટ કાઢી બહાર નીકળી ગયો.

            તે પછીના અરધા કલાક સુધી આચાર્યદેવના ઑફિસ-રૂમમાં રોકાયો હતો બધા વિદ્યાર્થીઓએ જોયું.

            રામભાઈ પોતાના વર્ગમાં ચાલ્યો ગયો તે પછી આચાર્યદેવ ખુરશી ઉપર બેસી શક્યા. બેત્રણ વાર બેસી બેસીને ઊભા થયા. લખવા બેસતાં એણે હોલ્ડરની ટાંકને બદલે પૂંછડીનો છેડો શાહીમાં બોળ્યો, ને અણીને બદલે ટોપકાની બાજુથી ટાંકણી કાગળમાં ભરાવવા જેવી ભૂલો કરવા માંડ્યા.

            શું બની બેઠું મારા હાથે!’ એણે એકલા એકલા આંટા મારતે મારતે પોતાના હોઠ કરડ્યા. ‘મારી આટલી મોટી ભૂલ કેમ કરતાં બની? મારા જીવનનાં ચાળીસ વર્ષોમાં મેં કદી એક પણ વખત આવી ગલતી, આવો અન્યાય, આવી ભ્રાંતિ દાખવ્યાં નથી. છોકરાએ પોતાના તેજોવધનો મને ગજબ બદલો આપ્યો. એણે ચૂપ રહીને મારી તમામ વિભૂતિ હણી નાખી છે. એક શબ્દ સામો બોલ્યો હોત તો મને આજે થાય છે તેટલો વસવસો થાત. મારા પ્રકોપને ઊભા રહેવાની તસુ જેટલી પણ ધરતી એણે નથી રહેવા આપી. મારો પરાજય સંપૂર્ણપણે થઈ ચૂક્યો. હું હવે એની હાજરીમાં જીવી કેમ શકું? એની બે આંખો મને નિરંતર કલેજા સોંસરો પરોવ્યા કરશે. એની મહત્તા સામે મારી પામરતા મને દિવસરાત શરમાવતી રહેશે. ગજબ ગોટાળો થયો. ગજબ વિસ્મરણ, ગજબ મોટી ભૂલ!’

            ફરી એક વાર ખુરશી પર બેઠા, એણે કાગળ ને હોલ્ડર લીધાં. એણે શિવરાજના પિતા દેવનારાયણસિંહજી પર પત્ર લખ્યો. પત્રમાં બનેલા બનાવની આખી વારતા અક્ષરેઅક્ષર લખી ને પછી ઉમેર્યું:

            આપ ગુરુકુલના પ્રમુખ છો. હું આપની પાસેથી સજા માગું છું: કાં તો આપ મને છૂટો કરો, ને કાં ભાઈ શિવરાજને અહીંથી ઉઠાવી લો. જે બનાવ બની ગયો છે તે પછી હું અને ચિ. શિવરાજ એક સ્થાને, એક સાથે, આચાર્ય અને વિદ્યાર્થીના સંબંધથી જીવી શકીએ. બનેલા બનાવનું નિવારણ મને બીજી એકેય રીતે સૂઝતું નથી. હું પોતે તો સ્થાનેથી ભ્રષ્ટ થવા તૈયાર બેઠો છું. ફક્ત આપના નિર્ણયની રાહ જોઉં છું.

            બીજા દિવસે સવારે સુજાનગઢથી શિવરાજના પિતાજીનો તાર આવ્યો. એમાં ફક્ત આટલું લખ્યું હતું: “શિવરાજને મોકલી આપો. બાકીની સ્થિતિ તે-ની તે રહે છે.”2. દેવનારાયણસિંહ            સુજાનગઢને સ્ટેશને આગગાડી આવીને ઊભી રહી ત્યારે શિવરાજે પિતાને ઊભેલા જોયા. જોતાં , ઘઉંની વાડી પરથી વહી જતી પવનલહેરખીના જેવી એક ધ્રુજારી એના શરીર પર થઈને ચાલી ગઈ.

બાપુના માથા પર સફેદ સાફો હતો: મોંએ કાબરી મૂછોનો જથ્થો હતો. ગળાબંધ કોલરનો કાળો લાંબો ડગલો, બાપુના ધિંગા પગને ઢાંકતી, નહીં બહુ પોચી તેમ નહીં તસતસતી એવી સુરવાળ પર ઝૂલતો, બાપુના કદાવર દેહને દીપાવતો હતો. બાપુના હાથમાં એક લાકડી હતી.

રેલવેનું સ્ટેશન એવા એક આદમીની હાજરીથી પણ ઘણી વાર શોભીતું બને છે. દેવનારાયણસિંહ સ્ટેશન પર કોઈક વાર આવતા. પણ રોજ રોજ આવે તો કેવું સારું, એમ આખા સ્ટેશન-સ્ટાફને થતું. રેલવે પર એની કશી સત્તા નહોતી, છતાં એની હાજરીની સૌ અદબ કરતા. આવતી ગાડીના એન્જિનમાંથી ખ્રિસ્તી ડ્રાઇવરે પણ એને સલામ કરી હતી.

સત્તાનું સિંહાસન આત્માના પ્રતાપની અંદર છે.

શિવરાજે ગાડીમાંથી ઊતરી પોતાનું બિસ્તર ને એક ટ્રંક નીચે ખેંચ્યાં. પટાવાળાએ દોડીને એને મદદ આપી. પિતા તો જ્યાં ઊભા હતા ત્યાં ઊભા રહ્યા. એમણે પટાવાળો હોવા છતાં પુત્રને તેનો સામાન ઉતારતો અટકાવ્યો નહીં. શિવરાજ બીતો બીતો નજીક આવીને જરા નમ્યો. દેવનારાયણસિંહનો હાથ પુત્રના માથા પર મુકાઈને પાછો ઊઠી ગયો. ઘેરા રવે પિતાજીએ ફક્ત એટલું કહ્યું: “ચા...લો!”

સલામોનો મોહ પણ રહ્યો હોય, તેમ કંટાળો પણ આવ્યો હોય, તેવી અદાથી સૌની સલામ ઝીલતા ઘોડાગાડી પર ચડ્યા. શિવરાજને ઇશારત કરી પોતાની બાજુમાં આવી જવા કહ્યું. ગાડીને પોતે હાંકી. શિવરાજ પિતાના લગામધારી હાથનાં ધિંગા આંગળાં પર વાળના ગુચ્છ જોતો રહ્યો. ઘેર પહોંચતાં સુધી આખી વાટ પિતાએ એક શબ્દ પણ પૂછ્યો નહીંતેમ તિરસ્કાર પણ બતાવ્યો નહીં. આખે રસ્તે બેઉ ઘોડાને શાંતિપૂર્વક હાંકી ગયા. વચ્ચે કૂતરું કે બકરું આવે ત્યારે જલદ ઘોડાઓને પોતે ગંભીર નાદે માત્ર એટલો વારણ-શબ્દ સંભળાવતા: “ધીરા, બેટા! ધીરા, બાપા!”

વાડીમાં બેઠા ઘાટનો એક બંગલો હતો. બંગલાના દરવાજાની કમાન પર અક્ષરો કોતરેલા હતા: ‘કારભારી-નિવાસ’.

સુજાનગઢ ત્રીજા વર્ગનું રજવાડું હતું. દેવનારાયણસિંહ મરહૂમ દરબારના દસ વર્ષ સુધી કારભારી હતા, ને મરહૂમના મૃત્યુ પછી સરકાર તરફથી નિમાયેલા એડ્મિનિસ્ટ્રેટર હતા. મરહૂમ દરબારનો કુમાર હજુ ઘોડિયામાં હતો.

બંગલાને દરવાજે એક બુઢ્ઢો ચાઉસ બેઠો હતો, તે ધીમેથી ઊભો થયો. એણે શિવરાજની સામે આંખો પર છાજલી કરીને જોયું; એટલું કહ્યું: “ ગયે, ભાઈ? શુકર ખુદાકી!”

બંગલાની પરસાળ પર એક બીજો ડોસો ઊભો હતો. એણે શિવરાજને શરીરેથી રેલવેના એન્જિનની કોલસીની કણીઓ ઝટકારી નાખી. શિવરાજને એક બાજુના ઓરડામાં લઈ ગયો.

દેવનારાયણસિંહે લાંબો ડગલો ઉતારી ટૂંકો ગરમ કોટ પહેર્યો; સાફો ઉતારી નાખીને એક ઊંચી, ગુચ્છાદાર કાળી ટોપી ઓઢી લીધી; અને પોતાના છેલ્લાં ત્રીશ વર્ષના સાથી જેવા જીવતા મોટા મેજ પર પિત્તળના લૅમ્પની જ્યોત સતેજ કરી. એમની આંખો નીચે જે પુસ્તક હતું તેની અંદર જગતની જુદી જુદી અદાલતોમાં ચાલેલા સંખ્યાંબંધ વિચિત્ર મુકદ્દમાની કથાઓ હતી. પગ ઉપર પગ ચડાવીને સહેજ ઢળતી પીઠે એમણે પુસ્તક વાંચવા માંડ્યું. પોણા ભાગનાં પાનાં વાંચેલી બાજુએ નીકળી ગયાં હતાં તે છતાં પુસ્તક જાણે હજી કલાકે પાર્સલમાંથી નવુંનકોર કાઢ્યું હશે તેવું લાગે. દેવનારાયણસિંહના હાથ પુસ્તકને, સુંવાળા સસલાને પકડનાર કોઈ સાધુની અદાથી ઝાલી રહ્યા હતા.

આખા બંગલામાં અન્ય કોઈ માનવી નહોતું; છતાં અંદરની શાંતિ કોણ જાણે કેમ પણ નિર્જનતાની ઉદાસ શાંતિ નહોતી. કોઈક ભર્યું કુટુંબ જાણે સૂતું હતું એવો ત્યાં ભાસ હતો. હમણાં જાણે કોઈક બહાર બેસવા ગયેલાં ઘરવાસીઓ કિલકિલાટ કરતાં આવી પહોંચશે!

            છતાં ખરી વાત તો હતી કે ઘર નિર્જન હતું. નિર્જનતાની કથા પણ કાંઈ લાંબી નથી. કથા આમ હતી:

            દેવનારાયણસિંહે પોતાના નોકરી-પત્રકમાંપુરબિયા રજપૂતએવી જાત લખાવી હતી. જુવાન ઉંમરે કાઠિયાવાડમાં એક મદ્રાસી ડેપ્યુટી પોલિટિકલ એજન્ટની સાથે ઘરના નોકર તરીકે આવ્યો હતો. ડેપ્યુટીસાહેબ ઘરભંગ હતાને એકાકી હતા. દેવનારાયણ એમનો જીવન-વિશ્રામ હતો. દેવનારાયણના હાથની બનાવેલી સિવાય કોઈ પણ બીજી ચા ડેપ્યુટી પીતા નહોતા. દેવનારાયણે ડેપ્યુટીને હિંદી શીખવ્યું, ને ડેપ્યુટીએ જુવાન પુરબિયાને પોતાના અંગ્રેજી જ્ઞાનની ગુરુદક્ષિણા આપી.

            દેવનારાયણ,” મદ્રાસી ડેપ્યુટી એકાન્તે ભણવા બેસતી વેળા કહેતા: “હું વિલાયતમાં વસી આવ્યો છતાં જૂના જમાનાનો માણસ રહી ગયો છું; એટલે હું જે કંઈ કરું તે મશ્કરી માનતો.” એમ બોલીને દેવનારાયણને પગે શિર નમાવતા, ને બોલતા કેआचार्य देवो भव!”

            એક વર્ષને અંતે સાહેબે દેવનારાયણને કાઠિયાવાડની જુદી જુદી ઑફિસોમાં તાલીમ લેવા બહાર કાઢ્યો. પાંચેક વર્ષ રહ્યા તે દરમિયાન એનેલોઅર-હાયરખાતાની પરીક્ષાઓ પોતે શ્રમ લઈને પસાર કરાવી, પોતાનો શિરસ્તેદાર બનાવ્યો. ને પછી એક દિવસ સાહેબે એના માટે એક નાના તાલુકા પર સરકારી કામદાર તરીકે નિમણૂક મેળવી આપી.

            મારી નોકરીનું આખરી કામ આજે પૂરું થયું છે.” એટલું કહીને ડેપ્યુટીસાહેબ તે રાતે સૂતા. સવારે ઊઠ્યા ત્યારે એના શરીરમાં સાઠ વર્ષની જૈફી ભરાઈ બેઠી હતી. પેન્શન પર ઊતરીને એણે મદ્રાસ તરફ ચાલ્યા જવાની તૈયારી કરી. છેલ્લો સંદેશો પોતે આપવા લાગ્યા: “દેવનારાયણ, હવે સૌરાષ્ટ્ર તારી સ્વભૂમિ બની છે. ભૂમિને તું તારી સંપૂર્ણ સ્વભૂમિ બનાવી લેજે. ધરતીનો લોહી-સંબંધ તને એક જવાંમર્દ ઓલાદનું દાન આપશે. મારી મૃત પત્નીને મેં વચન આપ્યું હોત તો હું પણ આંહીં નવું લગ્ન કરત.”

            ડેપ્યુટીને ખબર નહોતી: જુવાન દેવનારાયણસિંહના પહોળા સીના ઉપર ક્યારનીય એક સોરઠિયાણી પોતાનો માળો બાંધી રહી હતી.

            એક બ્રાહ્મણી હતી. ન્યાતે એને હડકાયા કૂતરાની માફક હાંકી કાઢી હતી. એણે એના વરને પૂરો જોયા પહેલાં ખોયો હતો. રંડાપો પાળવાની બીજી બધી વાતોને વશ થયા છતાં કેશ મૂંડાવવાની એણે ના પાડી હતી. કયા ગામથી આવી હતી તેની જાણ કોઈને નહોતી. ડેપ્યુટીસાહેબને ઘેર કોળણ બનીને કામ કરવા રહી હતી. બીજી બાજુ દેવનારાયણસિંહને આર્યસમાજના સંસ્કારોના છાંટા ઊડ્યા હતા.

            કપૂર કોળણે જ્યારે નર્મદા બ્રાહ્મણી તરીકે પોતાની જાતને દેવનારાયણ પાસે એકાન્તે પ્રકટ કરી, ત્યારે દેવનારાયણે એનાં આંસુ લૂછ્યાંને લગ્નની તૈયારી બતાવી.

            આજે વિદાય થતા ડેપ્યુટીસાહેબને ચરણે પડી દેવનારાયણસિંહે નર્મદા બ્રાહ્મણીનો હાથ ઝાલ્યો. કોઈ લગ્નનું નામ લઈ શકે તે માટે ડેપ્યુટીએ દેવનારાયણ-નર્મદાનાં લગ્ન જાહેરટી-પાર્ટીથી જડબેસલાખ કર્યાં.

            લગ્નને આઠ વર્ષ વીત્યાં ત્યારે શિવરાજ જન્મ્યો. ધરતી અને મેઘના મિલનમાંથી જેવું ઝરણું ફૂટે તેવો શિવરાજ પ્રસવ્યો; અને તે પછી બારેક મહિને નર્મદાએ સ્વામીનું ખોળામાં સૂતેલું શિર પંપાળતે પંપાળતે પૂછ્યું: “મા છે?”

            હતી તો ખરી; પણ છેલ્લો કાગળ દસ વર્ષો પર મળેલો.”

            તપાસ કરાવો?”

            કેમ?”

            મને બહુ હોંશ થાય છે.”

            શાની?”

            સાસુજીને ચરણે પડી શિવરાજના માથે આશિષો માગવાની.”

            દેવનારાયણસિંહે દેશના ગામડા પર કાગળ લખ્યો. ખબર આપ્યા કે, હું લગ્ન કરીને આવું છું, મારી માતાને ખબર દેજો.

            ઉત્તર હિંદના એક નાનકડા ગામડામાં જ્યારે બેલગાડીનો એકો ભાડે કરીને પચીસ ગાઉના પંથને અંતે દેવનારાયણસિંહ દાખલ થયા ત્યારે સંધ્યાકાળ હતો.

            કાઠિયાવાડની ભંગડીને દેવનારાયણ પરણી લાવ્યો છે.’ એવું જ્ઞાન ગામમાં ફેલાઈ ગયું.

            ખબરદાર, ડોકરી!” પુરબિયા ન્યાતના પટેલોએ એની વૃદ્ધ માતાને ધમકાવી: “દેવનારાયણની છાંય પણ લેતી, નીકર તારું મોત બગાડશું.” કોઈની જિંદગીને સુધારી શકનારાઓ બીજાનાં મોતને બગાડી શકે છે, સાંત્વન ઈશ્વરની ધરતી પર ઓછું કહેવાય.

            માને ઘેરથી જાકારો પામેલા દેવનારાયણે પત્ની અને બાળ સહિત એકો ગામબહાર લીધો. શિવરાજપાણી! પાણી!’ કરતો રહ્યો, પણ એકેય ઘર દેવનારાયણને આશરો દેનારું મળ્યું.

            આખરે રાતવાસો એને ગામના એક કોળીને ઘેર મળ્યો. ને પ્રભાતે કોળીના ઘરને ઘસાઈ ઘસાઈ ગામલોક નીકળ્યાં. તેમણે શિવરાજને ગુચ્છાદાર ભૂરાં લટૂરિયાં ફરકાવતો રમતો દીઠો, ને રૂપરૂપના ભડકા પ્રજ્વલાવતું એક નારીમુખ નીરખ્યું.

            તે દિવસે ગામના ગૌધણમાં શીતળાના દાણાએ ડોકિયાં કાઢ્યાં: તે રાતે એક લીલો તારો આકાશનું અંતર વિદારીને ખરતો ખરતો વિલય પામ્યો: તે દિવસે પુરબિયા પટેલની ભેંસે દોવા દીધું: ને તે દિવસે એક વાછડીને વાઘ ઉઠાવી ગયો.

            વળતા દિવસની સાંજ પડતી હતી ત્યારે પુરબિયાઓ ડાંગો લઈ લઈને ઓચિંતા તૂટી પડ્યા. દેવનારાયણે કોળીના જે એકઢાળિયામાં વસવાટ કર્યો હતો તે તરફ તેમણે ધસારો કર્યો.

            દેવનારાયણને ગમ પડે તે પહેલાં તો ગામલોકો ઘેરી વળ્યાં. દેવનારાયણ એકલો ડાંગ ઘુમાવતો રહ્યો. એને કાને હાકલા પડ્યા કે, “જલા દો વો ડાકિનીકો.”

            જોતજોતાંમાં એકઢાળિયાને આગ લાગી, ને તેમાંથી નાસવા જતી નર્મદાને પુરબિયાઓએ પીટી નાખી. એનાં નેત્રો ફાટ્યાં રહ્યાં ત્યારે પુરબિયા ભાગ્યા.

            દેવનારાયણે પ્રથમ તો સળગવા લાગેલ ઝૂંપડાને ડાંગ મારી ઓલવ્યું, તે પછી પટકાઈ પડેલી પત્નીને ખોળામાં લીધી.

            એના છેલ્લા શ્વાસ ખેંચાતા હતા.

            નર્મદા! પ્યારી નર્મદા! ધર્મચારિણી!” એનો સાદ ચિરાયો.

            નર્મદાની પાંપણોના પટપટાટે એને એના પૌરુષની યાદ દીધી. નર્મદાના ઓલવાતા નેત્ર-દીપકોમાં મીઠો ઠપકો હતો.

            હું આખા ગામને જલાવી દઈશ, નર્મદા!” દેવનારાયણ પુકારી ઊઠ્યો.

            છી-છી-છી—” નર્મદાએ મૃત્યુની એક પલમાં પોતાનું તમામ કૌવત સંઘરીને એવા મહાપાપની રામદુવાઈ દીધી: “તમેશિવનેલઈકાઠિયા—” એટલું કહી એણે દેહ છોડ્યો.

            મરેલા દેહને સ્મશાને ઉઠાવી જવા એક મુસલમાને ગાડું આપ્યું, ને છાણાં એણે સામેના ગામડામાંથી મેળવ્યાં.

            નર્મદાની ચિતા-ભસ્મનો ચાંદલો કરીને દેવનારાયણસિંહ શિવરાજ સાથે રાતોરાત ચાલી નીકળ્યો.

            કાઠિયાવાડમાં પાછા આવીને એણે ચૂપચાપ પોતાની નોકરી સંભાળી લીધી. પત્નીના અવસાનની સાદી વાત કરીને સૌને એણે પટાવી નાખ્યાં.

            તે પછીથી સદાને માટે એણે એકલ દશા સ્વીકારી. એક તો ઓછાબોલો હતો , તેમાં મૃત્યુએ એના મોં પર મૌનની ટાઢીબોળ આંગળીઓ મૂકી.

            મૌને, એકલતાએ અને સાધુવૃત્તિએ એનામાં નવી શક્તિઓ સીંચી, એનામાં વધુ પ્રભાવ મૂક્યો. પોલિટિકલ એજન્ટોએ એને પ્રિય અધિકારી બનાવ્યો. કડકમાં કડક ગણાતા ગોરા સાહેબો દેવનારાયણસિંહની દેવમૂર્તિ સામે પ્રસન્નભાવે ઢળતા રહ્યા. એનો એક પણ તુમાર પાછો ફરતો; એની એક પણ માગણી નકાર પામતી.

            સુજાનગઢના રાજાનો નવો કુમાર બનાવટી હોવાનું પાકું બનેલું દફતર પણ દેવનારાયણના ખાતરીના બોલ પરથી રદ થયું હતું.

            ઇન્સાફની છેલ્લી અપીલ દરબાર પાસે આવતી, અને દરબારનો ન્યાય દેવનારાયણસિંહની જીભને ટેરવે હતો. ‘ન્યાય તો છેવટે કારભારીસાહેબ તોળશેએવી પાકી ખાતરીએ એંશી ગામની વસ્તીને ભયમુક્ત કરી હતી.

            ને દેવનારાયણસિંહે વિકટમાં વિકટ મુકદ્દમાઓનો ઇન્સાફ રાત્રિએ, જગત સૂઈ ગયા પછી, પોતાના જૂના મેજ પર લખ્યો હતો. એમના પ્રત્યેક ચુકાદાને મથાળે અક્કેક નાનો શબ્દ લખાઈને પછી છેકાયો હોય, શિરસ્તેદારનો કાયમી અનુભવ હતો. જાડા છેકાની નીચે શું હતું? કયો શબ્દ હતો? કોઈ કળી નહોતું શક્યું. પણ દેવનારાયણસિંહે પોતે તો એકાદ-બે વાર છેકેલા નામના મંગળાચરણ વગર ભૂલથી પચીસ પાનાં ઘસડીને લખેલા ચુકાદા પણ ફાડી નાખીને નવેસર લખ્યા હતા. ને એવા નવેસર લખાયેલા ફેંસલાઓનું વલણ પલટી જતું, એવી એક વહેમીલી માન્યતા વૃદ્ધને વળગી ગઈ હતી.

            એક વર્ષની વયથી લઈ શિવરાજને સત્તર વર્ષની જોબન વયે પહોંચાડવામાં દેવનારાયણસિંહને સાચી સહાય બે જણાની હતીએક ઘરની વ્યવસ્થા કરનાર ખવાસ માલુજીની, ને બીજી ડેલીએ બેઠે બેઠે બુઢ્ઢા બનેલા ચાઉસની. ચોથું કોઈ સાથી બંગલામાં હતું નહીં.

            એવા એકાન્તને ખોળે માલુજીએ બાપ-દીકરાને હાથ વીંછળાવ્યા ને થાળીઓ પીરસી.

            મુરબ્બો ખાશો?” પિતાએ પુત્રને માત્ર આટલું એક વાર પૂછ્યું. પુત્રને જવાબ આપવાની જરૂર નહોતી.

            માલુજીએ તરત પૂછ્યું: “પેટ સાફ છે કે? નીકર અત્યારે નથી આપવો મુરબ્બો.”

            ---!” દેવનારાયણસિંહે મુક્ત કંઠે પ્રેમલ હાસ્ય કર્યું. માલુજીએ મુરબ્બાનું કચોળું શિવરાજ પાસે મૂક્યું.

            આપને આપું?” માલુજીએ પિતાને પૂછ્યું.

            તો નહીં! અમસ્તો શું મેં યાદ કર્યો હશે મુરબ્બો!”

            સીધું તો કોઈ દી નહીં માગો ને!”

            કોકને નામે મળતું હોય ત્યાં સુધી શા માટે સીધો તમારો પાડ લેવો! – ---!” એમણે ફરી દાંત કાઢ્યા.

            કપાળ મારું! મારે હાથે તો જશ નૈ ને!” કહી માલુજી દૂધના કટોરા ભરવા ગયો.

           

3. વકીલાતને પંથે            વાળુ કરીને પછી શિવરાજ પિતાની પાસે બેસતાં ડરતો હતો. હમણાં કંઈક પૂછશે, શું બન્યું હતું તેની વાત કાઢશેએવો શિવરાજને ફડકો હતો. પણ માલુજીએ શિવરાજને સૂવા જતો અટકાવ્યો. “ચાલો, બાપુ પાસે બેસો; બેઠા વિના ચાલે.” એવું કહીને માલુજી એને હાથ ઝાલીને લઈ ગયો.

            સત્તર વર્ષનો કસરતી શિવરાજ માલુજીના વૃદ્ધ જર્જરિત પંજામાં પકડેલું પોતાનું લોખંડી કાંડું જરીકે હલાવ્યા વિના ચાલ્યો આવ્યો. માલુજીને શિવરાજ પોતાની મા ગણતો હતો, અથવામા ગણતો હતોતે શબ્દો સાચા નથી. શિવરાજને સંસારમાંમાજેવું કંઈ નહોતું. બીજા છોકરાને જ્યારે જ્યારે શિવરાજ પોતપોતાની માતાઓ સાથે ટંટા અને જીદ કરતો જોતો, અથવામાકહી બોલાવતા સાંભળતો, ત્યારે એને નવાઈ થતી. પોતાને એટલું થતું કે બીજાઓમા’ ‘માકરે છે ત્યારે જે ભાવ અનુભવતા હશે તે ભાવ પોતેમાલુજીકહે ત્યારે અનુભવે છે તેવો હશે.

            બાપુની પાસે પુત્ર અરધો કલાક બેઠો, પણ બાપુ શબ્દ સરખોય બોલ્યા નહીં. ફક્ત બાપુ શિવરાજની સામે ગંભીર હસતા મુખે જોતા રહ્યા, ને છેલ્લે કહ્યું: “હવે સૂઈ જવું છે?”

            શિવરાજે માલુજીની સામે જોયું, માલુજીએ ઊઠવા કહ્યું. પથારીમાં પડ્યા પછી બે મિનિટમાં એનાં નસકોરાંની બંસી બોલી. માલુજી પરસાળમાં બેસી માળા ફેરવવા લાગ્યો. દેવનારાયણસિંહના ખંડમાંથી તે રાત્રિએ, ઘણા દિવસ પછી, સિતારના ધીરા ધીરા ઝંકાર સંભળાયા. એમાં મીંડ ઘૂંટાવા લાગી. સોરઠી દુહાના માઢ સૂરો દેવનારાયણસિંહની આંગળી નીચે, તાજાં જન્મેલાં કુરકુરિયાંની માફક સળવળતા હતા.

            સિતાર બંધ કરીને દેવનારાયણસિંહ ઊઠ્યા. પુત્રના ઓરડામાં હળવે પગલે આવ્યા. પુત્રના કપાળ પર હાથ મૂક્યો. નિહાળીને કંઈક જોયું. પછી શાંત પગલે પાછા જઈ પોતાના બુજરગ ટેબલ પર બેઠા, અને ચાવી વતી એક ખાનું ઉઘાડીને ચામડાના પૂંઠાવાળી એક નોટબુક કાઢી. એના ઉપર લખ્યું હતું: ‘નર્મદાની રોજનીશી’. એનાં ઘણાં પાનાં લખેલાં હતાં. કોરે પાને પોતે ચીપી ચીપીને લખ્યું:

            તારા બાળકનું મોં આજે પહેલી વાર નીરખીને જોયું. તારા જમણા લમણા પર જે તલ હતો, અસલ તેવો તલ તારા બાળકને પણ જમણે લમણે ઊગ્યો છે.”

            એટલું લખીને એણે રોજનીશી પર ચામડાનું પૂંઠું લપેટી લીધું, ફરતી દોરી વીંટાળીને મેજના ખાનામાં મૂકી ચાવી લગાવી. બધી ક્રિયામાં એક ડાહ્યા વેપારીની સમતા હતી.

            વળતા દિવસે બાપ-દીકરા વચ્ચે પ્રમાણે વાતચીત થઈ. પિતાએ કંઈ પૂછ્યું, પુત્રે શરૂઆત કરી: “હવે મારે શું કરવું?”

            અભ્યાસ કરવો છે?”

            હા.”

            શાનો?”

            મેટ્રિક તો થઈ જાઉં; પછી વકીલનું ભણું.”

            વળતા દિવસથી શિવરાજ સ્થાનિક હાઈસ્કૂલમાં જોડાયો. બાપુએ પોતાના અંતરની ઉમેદના ભાંગી પડેલા ટુકડાને ક્યાંય દેખાવા દીધા નહીં. એની કલ્પનામાં વેદધર્મનો ઝંડો ફરકાવનાર એક આર્યસમાજી બ્રહ્મચારી રમતો હતો; વકીલાત, દાક્તરી કે રજવાડી સરકારી નોકરી કરનાર પરાધીન પુત્રનો મનોરથ નહોતો મેળ ખાતો. એને તો પુત્રનું તેજના અંબાર પ્રકટાવતું ભાવનામય લલાટ, વેદધર્મના ભાસ્કર જેવું, જીવનગગનમાં ઘૂમતું નિહાળવું હતું.

            કારણ હતું કે દેવનારાયણસિંહનાં એક ભટકતી વિધવા બ્રાહ્મણી સાથે લગ્ન કરી આપનાર માઈના પૂત વીસ વર્ષો પર આર્યસમાજીઓ હતા. રઝળતી નર્મદાને ભોળવી-ભગાડીને વટલાવી નાખવાનો પ્રપંચ કરનાર ટોળીનો સામનો રાજકોટ સિવિલ સ્ટેશનની હદમાં તે દિવસે આર્યસમાજીઓએ કર્યો હતો. મદ્રાસી ડેપ્યુટીને ઘેર નર્મદાને નોકરીએ રખાવી દેનાર પણ વખતના વિરલસમાજિસ્ટો હતા. છેલ્લે નર્મદા સાથેનો હસ્તમેળાપ પણ પરદેશી પુરબિયા રાજપૂતને કરાવી આપવા બીજું કોઈ તૈયાર નહોતું. થિયોસોફિસ્ટ ધર્મપ્રચારક શ્રી દીક્ષિતે આવા ટંટાફિસાદી લગ્નમાં હાથ નાખવાની સિફતથી ના પાડી હતી; કેમ કે લગ્નની એક બાજુ બ્રાહ્મણોની લાકડીઓ હતી ને બીજી બાજુ ગુંડાઓની છૂપી છૂરીઓ હતી. એની વચ્ચે બાંયો ચડાવીને ઊભનાર પુરોહિત એક ન્યાતબહાર મુકાયેલ આર્યસમાજી બ્રાહ્મણ હતો. પોતાના સુખી સમયમાં આર્યસમાજના ગુરુકુળને માટે દૂરના દરબારી ગામમાં એક નદીને કિનારે દેવનારાયણસિંહે જમીન કાઢી આપી તેનું કારણ હતું. જે માતાનો ઉદ્ધાર ને ઉગાર આર્યસમાજે કર્યો હતો, તેના પુત્રનું ઉદ્ધાર-ધર્મમાં સમર્પણ કરવું દેવનારાયણસિંહને ઉચિત ભાસ્યું હતું. દીકરો બીજી અનેક માતાઓનો ઉદ્ધારક બને તે જોવાનો પિતાનો છૂપો મૂગો અભિલાષ હતો.

            તેને બદલે તો શિવરાજ વકીલાતના પંથે પળવા ચાલ્યો. ભલે ચાલ્યો. દેવનારાયણસિંહે સ્પૃહા ખોઈ હતી.

            ત્રણ ગાઉ પરકાંપહતું. ‘કાંપએટલે કેમ્પ: પોલિટિકલ એજન્ટની છાવણી. અઠવાડિયે એકાદ વાર પિતાજી ગાડી હાંકીને કાંપમાં આંટો મારી આવતા. હમણાં હમણાં ત્યાં નવા ડેપ્યુટી આવ્યા પછી દેવનારાયણસિંહનું કાંપમાં જવું વધ્યું હતું. અમસ્તા પણ દેવનારાયણસિંહ રોજ સવારે ગામડાં જોવા નીકળી પડતા, ને સાંજે પણ કચેરીમાંથી મોડા આવતા. શિવરાજ નિશાળના સમય બહાર ઘણુંખરું ઘરમાં એકલો રહેતો, અથવા કોઈ કોઈ વાર કાંપમાંથી પોતાનો ગુરુકુલવાળો દોસ્ત રામભાઈ છાનોમાનો મળવા આવતો.

            રામભાઈને પણ ગુરુકુલમાંથી રજા મળી હતી. એના પિતાએ એને જુદી તરેહનો સત્કાર આપ્યો હતો:

            અમલદારના છોકરાની ભાઈબંધી! ટારડાના છોકરાની દોસ્તી! ટેંટાંની વાદે તું ખાનદાન કુટુંબનો નબીરો ઊઠીને ભેખડાઈ ગયો! પોતાની વસ્તીને માથે સિતમ ગુજારનાર અમલદારના પુત્રની સાથે આપણને પ્રજાવાદીઓને શો મેળ મળી શકે? મારું તેં નામ બદનામ કર્યું! તારો બાપ જાહેર જીવનમાં પૂજનીય ગણાય, ગરીબડી પ્રજાનોસેવક મહારાજમનાય; તેના અંગત જીવન પર તેં બટ્ટો બેસાર્યો, તેં ઓલ્યા દેશી રાજના અમલદારના માંડી વાળેલ દીકરાની સંગતે—”

            એમ કહેતાં કહેતાં શબ્દ-કોલસે તપતા જતા બોઇલર જેવા વકીલ દેવકૃષ્ણે પોતાના દીકરાના ગાલ પર બે તમાચા ખેંચી કાઢ્યા.

            દેવકૃષ્ણ વકીલસેવક મહારાજકહેવાતા, એમની વાત સાચી હતી. નદીની રેતમાં એક પણ જાહેર સભાએ એમની ગેરહાજરી વેઠી નહોતી. શહેરનીભૂખી અને શોષિત જનતાના પ્રતિનિધિ તરીકે પોતાની જાતને ઓળખાવીને પછી કોઈપણ પ્રમુખની દરખાસ્તને ટેકો આપવા ઊભા થઈ જતા, ને ભાગ્યજોગે જો પોતે મોડા પડ્યા હોય તો સભા ચાલે તે દરમિયાન સભાના સંચાલક પર દસ જેટલી ચિઠ્ઠીઓ મોકલી મોકલી છેવટે પ્રમુખના આભારની દરખાસ્તને ટેકો આપવાનો હક તો મેળવ્યે રહેતા. નેદેશની ભૂખી તેમ શોષિત જનતાના પ્રતિનિધિતરીકે પોતે બોલી રહેલ છે, એવો દાવો ટેબલ પર હાથ પછાડીને આગળ ધરતા.

            એમનું પાટિયું વકીલ તરીકેનું હતું, પણ એમનું કામ નનામી અરજીઓ લખવાનું હતું. જમણા ને ડાબાબેઉ હાથે લખી જાણતા, તેથી અક્ષરો ઓળખાય તેવા કરી શકતા. વળી જમણી ને ડાબી બેઉ આંખો ફાંગી કરી જાણતા. અસલ એક ગામડામાં શિક્ષક હતા, ને ત્યાં ફીના પૈસાની ખાયકી બાબતમાં સંડોવાયા હતા. રાતોરાત ત્યાંથી નાસીને એકાદ વર્ષ અલોપ પણ થયા હતા. પછી કાંપમાં આવીને વકીલાતનું પાટિયું લગાવ્યું હતું. ‘પીડિતોનું પૈસાફંડનામે એક ખાતું પોતે ચલાવતા, ને ખાતાના પ્રમુખ તરીકે કેમ્પના એકરિટાયરથયેલા થાણદારને પોતે સાધી શક્યા હતા. એનામાં આવડત હતી કેપીડિત-પૈસાફંડનો અહેવાલ, હિસાબ વગેરે રીતસરઑડિટકરાવીને પ્રતિ-વર્ષ છાપાંને નિયમિત પહોંચાડી શકતા. છાપાંએ અહેવાલની નોંધો લીધી હતી તે પોતે સગર્વ તમામને દેખાડતા, ને કહેતા કે, “જુઓ કૉન્ગ્રેસના હિસાબના ભવાડા, ને જુઓ પીડિત-પૈસાફંડની પ્રામાણિકતા!”

            પુત્રને માર મારતા મારતા પણ પાછા દેવકૃષ્ણ બોલવા લાગ્યા કે હરામજાદો અમલદારનો છોકરો—”

            ત્યારે રામભાઈથી રહી શકાયું. એણે પિતાના હાથને મૂઠીમાં સજ્જડ ઝાલી લઈ કહ્યું: “શું બક બક કરો છો? શિવરાજનો વાંક નહોતો; અપરાધી તો હું હતો—”

            એમ કહીને બાપનું કાંડું મરડતો મરડતો રહી ગયો. બાપ તરત સમજી ગયો કે પુત્રને સોળ વર્ષની પ્રાપ્તિ થઈ ચૂકી છે, અર્થાત્ જૂની સંસ્કૃત કહેવત પ્રમાણે પુત્રને મિત્રદરજ્જે ગણવાનું ટાણું આવી પહોંચ્યું છે!

            ટાઢા પડીને બાપે કહ્યું: “તારો અપરાધ થયો છે એમ તારે કબૂલ કરવાની કશી જરૂર હતી? એટલો સિદ્ધ ને સત્યવક્તા થવાનું તને કહે છે કોણ? અક્કલનાં તો ઢોકળાં બાફી નાખ્યાં, ઢોકળાં!”

            એમ કહીને દેવકૃષ્ણ એક સભામાં હાજરી આપવા ચાલ્યા ગયા.

            એનો પુત્ર રામભાઈ કાંપની હાઈસ્કૂલમાં ભણવા બેઠો.

           

4. ધૃષ્ટ છોકરી!            એક સાંજરે ફૂટબોલ રમીને શિવરાજ ઘર તરફ વળતો હતો. રાજના વરિષ્ઠ અધિકારીના પુત્ર કરતાં ચપળ ખેલાડી તરીકે વિદ્યાર્થીઓનો વધુ લાડીલો બન્યો હતો. રમીને પાછા વળતાં બીજા તમામ સાથીઓ એક પછી એક એને છોડી ગયા. બોર-તળાવડીનો કાદવ ખૂંદીને અને સંધ્યાની ગોધૂલિમાં નાહીને એનો દેખાવ સાયંકાળે ભમવા નીકળેલા ભૂત સરીખો બન્યો હતો. ઘરની વાડીને પાછલે છીંડેથી પ્રવેશ કરતો હતો. જાળાં ને ઝાંખરાં એને મોંએ-માથે વીંટાતાં હતાં. ગુરુકુલના બોડકા માથા પર હવે તો લાંબા વાળ ઊગ્યા હતા. વાળ કોઈ પ્રમાદી જમીનદારના બોરડીભર્યા ખેતરની યાદ આપતા હતા.

            તે વખતે હેબતાયો. એણે પિતાના મકાનની પાછલી પરસાળ પર એક છોકરીને ઊભેલી જોઈ. છોકરી હતી છતાં એણે લેબાસ છોકરાનો ધારણ કર્યો હતો. એણે સફેદ લાંબો પાયજામો અને તે પર કોકટી રંગનું અડધી બાંયનું ખમીસ ચડાવ્યું હતું. ખમીસ પર આછો આસમાની કબજો હતો. માથાના મોટા કેશનો ત્રેસર લાંબો ચોટલો આમતેમ ફરકાવતી ત્યાં દોરી પર કૂદતી હતીજાણે કે કુદરતે એના દેહ-સંચાને કોઈ અણદીઠ ચાવી ચડાવી હતી.

            ઘડીભર શિવરાજ ખંચકાયોને શરમિંદો બન્યો. પોતાના ભૂંડા વેશનું એને ભાન થયું. કોણ જાણે કેમ પણ પોતાના જે દેખાવને દસ લાખ પુરુષોની આંખો સામે લઈ જવામાં શિવરાજને કશો આંચકો નહોતો, તે દેખાવ એક નાની છોકરીની નજરનો શિકાર બની જતાં જુવાન ખારો ખારો થઈ ગયો.

            કોણે મોકલી છે આંહીં છોકરીને? કોણ છે ? શી બડાઈ કરતી આંહીં પારકા ઘરની પાછલી પરસાળે આવીને ઊભી છે? હું ઘરનો માલિક-પુત્ર આવા ઢંગે ચાલ્યો આવું છું ત્યારે પણ કેમ ખસીને ચાલી જતી નથી?

            પણ પછી તો ગુસ્સો ચડાવવાનો કંઈ અર્થ નહોતો. પાછા વળવાનીયે વેળા નહોતી. સાડીનો પાલવ કે ઘૂંઘટ સ્ત્રીઓને આવો વેશ-કુવેશ ઢાંકવામાં જે વખતસરની મદદ આપે છે તે મદદથી હિંદનો પુરુષ-વેશ વંચિત છે. એવી મદદને મેળવવા માટે માણસે અરબસ્તાનમાં જન્મવું જોઈએ.

            ... ... અહીંથી નહીં, પેલી બાજુએથી અંદર આવવાનું છે, અલ્યા!” પરસાળ પર ઊભીનેસ્કિપિંગકરતી તેર વર્ષની છોકરી બોલી ઊઠી.

            સાંભળતાં શિવરાજની ખોપરીમાં સબાકો નીકળી ગયો. તુચ્છકારની મૂંગી દૃષ્ટિ કરીને વિશેષ બિહામણો બનતો સડેડાટ પગથિયાં ચડી જઈ એક બાજુથી પોતાના ઓરડામાં ચાલ્યો ગયો. છોકરી કોઈ અડબૂથ કોળી કે ભંગી દેખાતા જુવાનની હિંમતથી હેબતાઈ જઈને અંદર ચાલી ગઈ.

            અંદર બે બુઢ્ઢા બેઠા હતાએક દેવનારાયણસિંહ, ને બીજા છોકરીના પિતા બર્વેસાહેબ.

            સોરઠની ધરતીનો ગુણ છે કે કોઈપણ અન્ય ધરતીના જીવને પોતાનો કરી લે છે. જેવું દેવનારાયણસિંહ પુરબિયાનું બનેલું, તેવું દક્ષિણી બર્વેસાહેબનું બન્યું હતું. ભૂમિમાં બેઉ માનવીઓ ક્યાંક બહારથી આવ્યા હશે એવી બીજાઓને તો શું પણ એમને બેઉને પોતાને પણ બહુ સાન રહી નહોતી. બર્વેસાહેબનાં પત્ની જ્યાં સુધી જીવ્યાં ત્યાં સુધી વરસોવરસ ગણપતિ-ઉત્સવ અને હલદી-કંકુના તહેવાર એકલાં એકલાં પણ ઊજવતાં, ને દ્વારા પોતાની જન્મદાત્રી મહારાષ્ટ્રના ડુંગર-ભમતા કછોટાધારી માનવીઓ જોડે આત્મગ્રંથિ ટકાવી રાખતાં. પણ ધર્મનિષ્ઠ પત્નીના અવસાન પછી નાસ્તિકતાવાદી બર્વેસાહેબે ગણપતિ-ઉત્સવની સુંદર નિર્મળ દીવીઓને તેમ ધૂપદાનીઓને પોતાની બીડીઓની રાખ ખંખેરવાની રકાબીઓ બનાવી દીધી હતી. એકની એક પુત્રી સરસ્વતીને એણે કોઈ આર્યસમાજી છાત્રાલયમાં ભણવા મૂકી હતી. ને પત્નીનો વિરહ સાલતો ત્યારે પોતે એકાદ કટોરી દારૂ છાનામાના પી લેતા. તે સિવાય એમના આખા જીવનને ડેપ્યુટી પોલિટિકલ એજન્ટની કામગીરીએ ઠાંસી ઠાંસીને ભરી દીધું હતું. કાઠિયાવાડમાં મૂછો બોડાવનાર સૌ પહેલા હતા. વસ્તીના લોક એમને એમની ગેરહાજરીમાંબોડા બર્વેસાહેબતરીકે ઓળખતા. કાંપમાં પોતે હમણાં બદલી થઈ આવ્યા હતા. આજની સાંજ એમણે પુત્રી સરસ્વતી સહિત સુજાનગઢમાં ગાળવાનું દિલ કર્યું હતું. વગર કહાવ્યે ઓચિંતા આવી ચડનાર ડેપ્યુટી અમુક રીતે પોતાના ઉપરી છતાં દેવનારાયણસિંહે એની સરભરાની કશી દોડધામ કરાવી નહીં. માલુજીએ બનાવેલી પૂરી અને ચાનો નાસ્તો કરતા બેઉ બેઠા હતા. વાર્તાલાપના છેલ્લા જે બોલ સરસ્વતીએ સાંભળ્યા તે આટલા હતા: “નહીં, નહીં, નહીં.” બર્વેસાહેબે કહ્યું: “ઈશ્વર જેવું કોઈ પ્રાણી છે નહીં.”

            પણ હોય તો આપણને શો વાંધો છે? હે-હે-હે—” દેવનારાયણસિંહ છાપરું ફાટે તેટલા જોરથી હસતા હતા.

            અંદર કોઈક માણસ આવીને પેસી ગયો છે.” સરસ્વતીએ આવીને ફાળભેર કહ્યું.

            આંહીં ઘરમાંથી એને લઈ જવા જેવું કાંઈ નથી. હું પણ હવે ફૂટી બદામની કિંમતનો રહ્યો નથી!”

            પણ માલુજીનો જીવ કેમ રહી શકે? એણે હોકારા કરી કરી ઘરમાં દોડધામ મચાવી.

            કોણ, ભાઈ, તમે હતા?” માલુજીએ શિવરાજને એના ઓરડામાં ભૂંડે હાલે ગાદલા પર પડેલો જોઈને પૂછ્યું.

            કેમ, શું છે?”

            અરે, અમને તો ભડકાવ્યા.”

            શું ભડકાવ્યા?”

            “— કે કોઈ ચોર પેસી ગયો છે.”

            કોણે કહ્યું?”

            ડિપોટીસાબનાં દીકરીસરસ્વતીબાએ.”

            એને શી પંચાત?” શિવરાજ ગરમ બની ગયો.

            હવે ઊઠો, હાથ-મોં ધોઈને કપડાં તો બદલો!”

            ના, એને જવા દો.”

            અરે! તમારી તો વાટ જોઈને સા બેઠા છે.”

            કહો કે મને ઠીક નથી.”

            ખોટું! બાપુના દીકરા ખોટું બોલે?”

            નહીં, પણ મને છોકરી દીઠી ગમતી નથી.”

            પણ ત્યાં ક્યાં તમને ઝટ ગોળ ખાવા તેડાવે છે?”

            લજ્જાથી શિવરાજ ફરી ગયો. માલુજીએ એને વહાલથી પંપાળીને નાહવાની ઓરડીમાં લીધો. કમનસીબે નાહવાની ઓરડી સામી બાજુએ હતી, ને ડિપોટીસાહેબની અણગમતી છોકરી સરસ્વતી વચ્ચે ઊભી હતી.

            એને માર મારવા લઈ જાઓ છો?” ડેપ્યુટીની છોકરીએ માલુજીને પૂછ્યું.

            ખરેખર માલુજી શિવરાજનું કાંડું ઝાલીને એવી રીતે લઈ જતો હતો કે છોકરીને થઈ તેવી શંકા હરકોઈને આવે. જવાબમાં માલુજીએ નાક પર આંગળી મૂકીને છોકરી સામે જરી આંખો ફાડી.

            છોકરી જરીક હેબત ખાઈને પાછી હઠી ગઈ, તે જોઈ શિવરાજ મલકાયો. એને માલુજીના ડોળા મારફત પોતાના અપમાનનું વેર વળી ગયું લાગ્યું. નાહવાની ઓરડીમાં દાખલ થતાં થતાં પાછળ ફરીને શિવરાજે પણ મહેમાન-કન્યા સામે થોડા ડોળા ખેંચી લીધા.

            સાફસૂફ થઈને જ્યારે શિવરાજ બહાર નીકળ્યો ત્યારે એના કસરતી દેહના બેઉ ખભા ઉઘાડા ગંજીફરાકની અંદરથી બહાર નીકળેલા હતા. શિયાળાની પવનભરી સાંજે ટાઢાબોળ પાણીથી ધોવાયેલ એના દેહમાંથી ધુમાડા નીકળતા હતા. જાણે કે મારુતિની કોઈ નાની-શી દેરીમાંથી ધૂપ ભભકતો હતો. માલુજીએ શિવરાજના શરીર પર ટુવાલ એટલો બધો ઘસ્યો હતો કે જાણે હમણાં લોહીના ટશિયા ફૂટશે. પુરુષનું આવું રૂપ જોઈ છોકરીને એક પળ નવાઈ લાગી. એવો ભાસ થાય કે જાણે ચોરને કોઈએ ઠમઠોરેલ હશે. પણ માર માર્યા પછી માણસને નવરાવવામાં આવે, તેમ માર ખાધેલો માણસ આટલો રૂડો લાગે, એવી એને ગમ નહોતી. ખસિયાણી પડી ગઈ. એને પોતાની ભૂલ માલૂમ પડી: પોતે ઘરના નાના માલિકનું અપમાન કર્યું હતું.

            ને માંસની છૂટી છૂટી પેશીઓથી મઢેલા શિવરાજના બાહુ ઉપર એક કાળે દોરે પરોવેલ ત્રાંબાના માદળિયાનો બાજૂબંધ હતો.

            એક વેદપૂજક પિતાના પુત્રને હાથે માદળિયું હોય તે વાત અજુગતી હતી. ને શિવરાજને કંઈક વર્ષો પૂર્વે માદળિયું બાંધવા બાબત તો બુઢ્ઢા માલુજી ને દેવનારાયણસિંહની વચ્ચે ટપાટપી બોલી ગઈ હતી:

            તો નર્મદાબાનું આપેલ માદળિયું! તમે એમાં શું સમજો? તમારો ધરમ તમે પાળો: એનો ધરમ એની માલિકીનો. તમને પરણીને પોતે તમારાં વેચાણ થયેલાં, પણ એણે કાંઈ એનો ધરમ તમને નહોતો વેચ્યોખબર છે!”

            પણ આમાં શું છે?”

            અરે, ભલે ચપટી માટી રહી.”

            ને ખરે એમાં માટી હતી. નર્મદાએ પોતાનું ઘર છોડતી વખતે પોતાના નિ:શ્વાસે ભીંજાવેલી ઘરની માટીની ચપટી.

            ટપાટપીમાં આખરે માલુજી જીતેલો.

            દેવનારાયણસિંહે પોતાની બુદ્ધિને પત્નીની આસ્થા પાસે કમજોર દીઠી હતી. માલુજીની વાત રહી હતી. માદળિયું શિવરાજની ભુજા પર સલામત બન્યું હતું.

            દાગીના પહેરવા સ્ત્રીનો શણગાર છે એવું સમજતી કન્યાએ શિવરાજના બાહુને શોભાવતા ત્રાંબાના ટુકડાની ઠેકડી કરી. પણ ભુજદંડની હાંસી એના અંતરમાં ઊગી શકી. ભુજાની પોતાને ઈર્ષા આવી. આવો સુગઠિત દેહ મારે હોત! – અગોચર ઝંખના એના દિલમાં રમતી થઈ. કપડાં પહેરીને શિવરાજ પિતાની ને પરોણાની પાસે આવ્યો. પણ એણે મસ્તક નમાવ્યું, હાથ પણ જોડ્યા, અખાડેબાજની અદાથી છાતી પર પંજો મૂકી નમસ્તે કર્યા. છોકરીએ ફરી વાર મનમાં ઉપહાસ કર્યો.

            અખાડામાં જતો લાગે છે;” ડેપ્યુટીસાહેબે કંઈક ટકોરમાં કહ્યું: “ક્યાંક પેલારેવોલ્યુશનરીના હાથમાં પડી જાય!”

            ટકોર પર શિવરાજને અણગમો આવ્યો છતાં પેલી છોકરી પર ભવાં ચડાવવાની તક સમજીને થોડી વાર બેઠો. એના પિતાએ સાહેબની ટકોરનો સાદો, ટૂંકો ઉત્તર સંભળાવ્યો: “આપણા રોક્યા કોઈ નથી રોકાવાના, સાહેબ!”

            તમારા આર્યસમાજીઓની ઉદ્ધતાઈથી સંભાળવા જેવું છે.”

            આપણી પામરતાથી ક્યાં કમ ચેતવા જેવું છે?” દેવનારાયણસિંહે ઉત્તર હિંદની પૃથ્વી પાસેથી પીધેલો જૂનો જુસ્સો દાબ્યો દબાયો.

            શિવરાજ ઊઠી ગયો. એને પિતા-પુત્રી બંને પ્રત્યે નફરત આવી. લોકો પારકી ચોકીદારી શા માટે કરવા આવ્યાં હશે! વણમાગી સલાહ સોનાની હોય તોપણ સાંભળનારનાં કલેજામાં છૂરી જેવી ખૂંતી જાય છે.

            બત્તી લઈને માલુજી આવ્યા. સંધ્યાનો પહેલો દીપક હતો. માલુજીએ જૂની ધર્મક્રિયા જેવી બની ગયેલી લોકરૂઢિ મુજબરામરામ! ભાઈ, રામરામ! સાહેબ, રામરામ!’ એવા શબ્દો કહ્યા. નાની કન્યાને વાત પર પણ મનમાં હસવું આવ્યું. ડોસો એને ઘરમાં કોઈ વિચિત્ર દરજ્જો ભોગવતો ભાસ્યો.

            પછી સાહેબ કેમ્પ તરફ સિધાવી ગયા. સીમાડા સુધી દેવનારાયણસિંહ પોતાની ગાડી લઈ વળાવવા ગયા; શિવરાજને સાથે લીધો. વેણુતળાવડી પાસે જ્યારે પાછા વળ્યા ત્યારે કન્યાએ એક વાર ગાડીનાં નિસ્તેજ ફાનસોને અજવાળે પણ શિવરાજને નીરખવા પાછળ ફરી નજર કરી.

            કોઈ વાર ધિક્કાર પ્રેમનો છદ્મવેશ ધારણ કરે છે, તો ઘણી વાર પ્રેમ તિરસ્કારના સ્વાંગમાં પ્રકટ થાય છે. શિવરાજના અંતરનો અણગમો પણ એને વિદાય લઈ ગયેલી કન્યા તરફ અગ્રસર કરવા લાગ્યો. એમ થયા કર્યું કે, એને એક વાર મળું તો થોડી એસીતેસી સંભળાવી નાખું.

            પણ વળતા રવિવારે પિતાની સાથે કેમ્પમાં ડેપ્યુટીસાહેબને ઘેર ગયો ત્યારે મિયાંની મીની જેવો થઈ બેઠો રહ્યો. મનમાં જે જે શબ્દ-તમાચા ગોઠવીને લાવ્યો હતો તે મોંમાંથી બહાર નીકળી શક્યા. ડેપ્યુટીસાહેબની પુત્રીનું નામ સરસ્વતીબાઈ હતું જાણ્યા પછી તરત એના અંતરમાં શ્વેત હંસ પર સવાર બનેલી વિદ્યાદેવીનું ચિત્ર રમતું થયું.

            સરસ્વતીએ એને કહ્યું: “ચાલો, હું તમને મારા ફોટોગ્રાફોનો સંગ્રહ બતાવું.”

            સંગ્રહમાંથી એક છબી બતાવીને એણે કહ્યું: “ કોણ હશે?... મારા ભાઈ. એનું નામ રણજિત.”

            ક્યાં છે?”

            ખબર નથી.”

            એટલે શુંમરી ગયા છે?”

            ખબર નથી.”

            એટલે?”

            ચાલ્યા ગયેલા છે.”

            ક્યાં?”

            કોઈને ખબર નથી.”

            ક્યારે ચાલ્યા ગયા છે?”

            હું જન્મી પણ નહોતી ત્યારે. આજે હોય તો તમારા કરતાં કદાચ મોટા લાગે. પણ આમ તો બરાબર તમારા જેવા લાગે. જુઓ છબીમાં!”

            ઘડીક છબી પ્રત્યે ને ઘડીક શિવરાજ પ્રત્યે જોતી સરસ્વતી જાણે કે ચહેરો મેળવી રહી હતી; વારંવાર કહી રહી હતી કે, “જુઓ, અસલ તમારા જેવા હશે, નહીં?”

            શિવરાજને છબીમાં આવું કશું મળતાપણું લાગ્યું. મળતા અણસારની માન્યતાએ છોકરીના મનમાં એક મીઠી આત્મવંચના જન્માવી હશે એમ લાગ્યું. બહેનો સહોદરના સ્નેહની બેહદ ભૂખી હોય છે વાતની શિવરાજને જે ખબર નહોતી તે ખબર આજે પડી.

           

            *            છૂટા પડ્યા પછી થોડા દિવસોમાં સરસ્વતીબાઈ પોતાના છાત્રાલયે ચાલી ગઈ. ને અહીં શિવરાજ તે વર્ષે મેટ્રિક પાસ થયો, ને પછી એણે કાયદો ભણી નાખવાની જીદ લીધી.

            પિતાએ કહ્યું: “કાયદો ભણીને પછી શું કરીશ?”

            ન્યાયાધિકારી બનીશ.”

            ન્યાયાધિકારીના માર્ગ કેટલા વિકટ છે તે જાણે છે?”

            આપ ન્યાય કરો છો એટલું જાણું છું.”

            તારા ગુરુકુલના આચાર્ય જેવો ઇન્સાફ તો નહીં આપી બેસ ને!”

            શિવરાજના અંતરમાં હવે સ્પષ્ટ થયું કે પોતાની ધૂન શામાંથી જન્મી હતી. આચાર્યદેવે પોતાને ગેરઇન્સાફ કર્યો હતો તે દિવસથી પોતાના મનમાં જીદે ઘર કર્યું હતું.

            હું નિર્દોષોનો પક્ષ લઈશ.”

            સમજ કે હુંતારો પિતા અપરાધી હોઉં તો?”

            શિવરાજ વિચારમાં પડ્યો.

            સમજ કે સાહેબની પુત્રી સરસ્વતીબાઈ ગુનેગાર હોય તો?”

            શિવરાજ વધુ વિચારગ્રસ્ત બન્યો: પિતાએ સરસ્વતીબાઈનું નામ શા માટે લીધું?

            પિતાએ આગળ ચલાવ્યું: “કલ્પના કર કે મેં કોઈ નિર્દોષ નારીને ફસાવી છે. તો તું શું કરે? મને બચાવે કે સ્ત્રીને? મને તું જન્મકેદ ફરમાવી શકીશ?”

            શિવરાજ નિરુત્તર રહ્યો. એણે કાયદાનું ભણતર ભણવાનો સંકલ્પ કર્યો ત્યારે પોતાની જાતને આવી માનસિક કસોટીમાં નહોતી મૂકી જોઈ. એની ધૂન ફક્ત આટલી હતી: હું ગરીબોને, નિર્દોષોને ન્યાય અપાવીશ. એની ધૂન કેવી વાંઝણી હતી! ‘ગરીબોઅનેન્યાય બે શબ્દોનું સીમાવર્તુલ પોતે કલ્પી શક્યો નહોતો.

            એનું નિરુત્તર રહેવું પિતાના મનથી એક મંગળ ચિહ્ન હતું. છોકરો ડંફાસુ નહોતો.

            એલએલ. બી. થવું નથી?”

            ના. જલદી પતી જાય તે માટે હાઈકોર્ટ પ્લીડરનું ભણવું છે.”

            ભલે.” પિતાને પણ ઉમેદ હતી કે શિવરાજનું જીવનઘડતર પોતાની હયાતી સુધીમાં જેમ બને તેમ જલદી પતી જવું જોઈએ.

            બીજા દિવસથી પિતાએ શિવરાજ પાસે હિંદના તેમ હિંદ બહારના એક પછી એક નાજુક ન્યાયના કિસ્સાઓની વાર્તા કહેવા માંડી. શિવરાજ સાંભળતો ગયો તેમ તેમ એક બાજુથી એના પ્રાણમાં ચેતન પુરાતું ગયું, તેમ બીજી બાજુથી એના ટાંટિયા ધ્રૂજતા ગયા. આમ એનો અભ્યાસઇન્ડિયન પીનલ કોડઅથવારોમન ધારાશાસ્ત્રથી નહીં, પણ જગતના જીવતાજાગતા ઇન્સાફી કિસ્સાઓથી શરૂઆત પામ્યો. રાત્રિએ પિતા કિસ્સાઓનું પારાયણ કરી રહેતા તે પછી ચોપડી બંધ કરતાં કરતાં એટલું કહેતા:

            બેટા, ઇન્સાફની ત્રાજૂડી નાજુક છે. એક નાની લાગણીનો વાયરો ત્રાજૂડીની દાંડીને હલાવી મૂકે છે. ઇન્સાફ પોતે જગત પર જેટલો ગેરઇન્સાફ પામ્યો છે તેટલો તો કોઈ નિર્દોષ-નિરપરાધી પણ નહીં પામ્યું હોય. ઇન્સાફ આપણા આત્માનું લોહી માગી લે છે.”